દિવાળીનાં તહેવારને લઈ ફાયર અને ઇમરજન્સી સર્વિસીસ વિભાગ સજજ
ફટાકડાંના કારણે લાગતી આગની ઘટનાને પહોંચી વળવા વ્યવસ્થા કરાઇ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં દિવાળીનાં તહેવારને ધ્યાનમાં રાખીને રાજકોટ મહાનગરપાલિકાના ફાયર અને ઇમરજન્સી સર્વિસીસ વિભાગ દ્વારા આગની ઘટનાઓને તાત્કાલિક નિયંત્રણમાં લેવા માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. ઇન્ચાર્જ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ઝાલાએ માહિતી આપતા જણાવ્યું હતું કે ધનતેરસથી બેસતા વર્ષના સવાર સુધી સમગ્ર સ્ટાફ 24 કલાક ખડેપગે ફરજ પર રહેશે. મનપાનાં ઇન્ચાર્જ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ઝાલાએ જણાવ્યું હતું કે, તહેવારો દરમિયાન લોકોની અવરજવર વધવાથી અને ફટાકડા ફોડવાના કારણે આગ લાગવાની ઘટનાઓમાં વધારો થતો હોય છે. આથી, કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને અને બને તો તેને ઝડપથી કાબૂમાં લઈ શકાય તે માટે ફાયર વિભાગે પૂરતી વ્યવસ્થા કરી છે. જેમાં 5 હંગામી ફાયર સ્ટેશન ઊભા કરાયા છે. તેમજ 445 કર્મચારીઓનો કાફલો નવા વર્ષની સવાર સુધી ખડેપગે રાખવામાં આવશે.
શહેરમાં આવેલા ભીડવાળા અને મોટી માર્કેટ ધરાવતા વિસ્તારો તેમજ સાંકડી શેરીઓ અને ગીચ બજારોને ધ્યાનમાં રાખીને 5 અલગ-અલગ સ્થળોએ હંગામી ફાયર સ્ટેશન ઊભા કરવામાં આવ્યા છે. આ વિસ્તારોમાં પરાબજાર, ફૂલછાબ ચોક, યુનિવર્સિટી રોડ, પંચાયત ચોક અને પેડક રોડનો સમાવેશ થાય છે. આ તમામ 5 હંગામી ફાયર સ્ટેશનો પર 24 કલાક માટે એક ફાયર ટેન્ડર વાહન અને એક ટીમ સંપૂર્ણ સજ્જતા સાથે તહેનાત રહેશે, જેથી તાત્કાલિક રિસ્પોન્સ આપી શકાય. આગામી ત્રણ દિવસ માટે ફાયર વિભાગનો કુલ 445 માણસોનો મેનપાવર 24 કલાક માટે સેવા આપવા ઉપલબ્ધ રહેશે. ફાયર વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર, સામાન્ય રીતે દિવાળીના તહેવારોમાં સરેરાશ 125થી 150 જેટલા કોલ ફાયરના આવતા હોય છે, જેમાં નાના-મોટા તમામ બનાવનો સમાવેશ થાય છે. આ પ્રકારની ઘટનાઓને પહોંચી વળવા માટે ફાયર વિભાગ સંપૂર્ણ રીતે સજ્જ છે. ઇન્ચાર્જ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ઝાલાએ શહેરની જનતાને તહેવારો દરમિયાન વિશેષ સાવચેતી રાખવા અપીલ કરી છે. તેમણે જણાવ્યું હતું કે, ફટાકડા ફોડતી વખતે નાના બાળકોને ક્યારેય એકલા ન મૂકવા જોઈએ અને તેમની સાથે રહેવું જોઈએ. સુરક્ષા માટેના અન્ય પગલાંઓમાં જો કોઈ આગ લાગે તો તેને બુઝાવવા માટેના તમામ પ્રાથમિક ઇક્વિપમેન્ટ્સ, જેમ કે પાણીની ડોલ, નજીકમાં તૈયાર રાખવા, ફટાકડા ફોડતી વખતે ફૂલ સ્લીવના કપડાં પહેરવા સહિતની સલાહ તેમના દ્વારા આપવામાં આવી છે.
હંગામી ફાયર સ્ટેશન
- Advertisement -
પરાબજાર
ફૂલછાબ ચોક
યુનિવર્સિટી રોડ
પંચાયત ચોક
પેડક રોડ