વડાપ્રધાન દિવાળી બાદ તરત જ બિહારનો પ્રવાસ શરૂ કરશે
બિહારમાં યોજાનારી ધારાસભામાં પ્રથમ તબકકાના મતદાન માટે ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયા પુરી થઈ છે અને હવે દિવાળી બાદ પ્રચાર શરૂ થશે. જો કે પ્રથમ તબકકામાં ખાસ કરીને મહાગઠબંધનમાં સતાવાર રીતે રાજદના ઉમેદવારો જાહેર થયા વગર જ મેન્ડેટ આપીને ઉમેદવારી નોંધાઈ છે અને 8-10 બેઠકો પર કોંગ્રેસ-રાજદ વચ્ચે ફ્રેન્ડલી ફાઈટ યોજાય તેવા સંકેત છે. તો બીજી તરફ રાજયમાં મુખ્યમંત્રી મુદે અમિત શાહે ધારાસભ્યો નિર્ણય લેશે તેવા જે વિધાન કર્યા પછી જનતાદળ(યુ)માં જબરો વિરોધ છે અને ભાજપ એ ચુંટણી બાદ નીતિશકુમારને બદલે પોતાના કોઈ નેતાને મુખ્યમંત્રી બનાવી દેશે તેવી આશંકા દર્શાવાઈ રહી છે.
- Advertisement -
ભાજપે તેના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરે છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી.નડ્ડા, ગૃહમંત્રી અમીત શાહ તથા વાહનવ્યવહાર મંત્રી નીતીન ગડકરીનો સમાવેશ થાય છે. તો યોગી આદીત્યનાથને દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા, પુર્વ કેન્દ્રીયમંત્રી સ્મૃતિ ઈરાની અને ગુજરાત ભાજપના પુર્વ પ્રમુખ સી.આર.પાટીલ ઉપરાંત ભોજપુરી અભિનેતા- ગાયક પવનસિંહ તથા સાંસદ અભિનેતા રવિકીશનનો પણ સમાવેશ કર્યો છે.
બીજી તરફ વડાપ્રધાન દિવાળી બાદ તુર્તજ બિહારનો પ્રવાસ શરૂ કરશે જેમાં તેઓ તા.23થી ચાર દિવસમાં 12 રેલીને સંબોધન કરશે અને પ્રથમ તબકકાની મોટાભાગની બેઠકો આવરી લેશે તો ભાજપના વરિષ્ઠ નેતાઓ પણ પ્રચારમાં જોડાશે.