સંવનનકાળ બાદ 4 મહિને પ્રારંભ: ટુંડી વેટલાઇન પાસે હજારો પેલીકન પક્ષીઓનું આકર્ષણ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.18
સંવનનકાળના ચાર મહિનાના સમયગાળા (16 જૂનથી 15 ઓક્ટોબર) બાદ બજાણા ઘૂડખર અભયારણ્ય પ્રવાસીઓ માટે ફરીથી ખુલ્લું મૂકવામાં આવ્યું છે. દિવાળીના તહેવારોની શરૂઆત પહેલાં જ અભયારણ્ય ખૂલતાં પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. આ અભયારણ્ય રણ સિવાય વિશ્વમાં ક્યાંય ન જોવા મળતા દુર્લભ ઘૂડખરનું નિવાસસ્થાન છે, જ્યાં હાલમાં 7672 જેટલા ઘૂડખરો વસવાટ કરે છે. ગુજરાતના 27 અભયારણ્યો પૈકીનું 4954 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું આ ઘૂડખર અભયારણ્ય સને 1973માં ઘૂડખરના સંરક્ષણ માટે રક્ષિત કરાયું હતું. ઘૂડખરના સંવનનકાળ દરમિયાન તેમને ખલેલ ન પહોંચે તે માટે દર વર્ષે આ સમયગાળો પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવે છે. જોકે, ગીર અભયારણ્ય રાષ્ટ્રપતિની મુલાકાતને કારણે વહેલું ખુલ્લું મુકાયું હતું, પરંતુ બજાણા સહિત અન્ય અભયારણ્યો નિયમિત સમય મુજબ 16 ઓક્ટોબરથી પ્રવાસીઓ માટે ખૂલ્લા મુકાયા છે.
- Advertisement -
હાલમાં, ટુંડી વેટલાઇન પાસેના માઉન્ટ પર હજારોની સંખ્યામાં પેલીકન પક્ષીઓનો જમાવડો થયો છે, જે ઠંડકભર્યા વાતાવરણમાં પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. અભયારણ્ય વિભાગના અધિકારીઓ આગામી દિવાળી વેકેશનમાં પ્રવાસીઓનો અભૂતપૂર્વ ધસારો રહેવાની આશા સેવી રહ્યા છે.