બાઇક અથડામણ બાદ ઉશ્કેરાઈ જઇ હુમલો કરતા
બે યુવકના મોત, એકને ગંભીર ઈજા પહોંચી હતી
રાજકોટની નામદાર સેશન્સ કોર્ટે ભોગ બનનાર પરિવારને રૂ.11 લાખનું વળતર ચૂકવવાનો હુકમ કર્યો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
જસદણ તાલુકાના નવા જસાપર ગામે સાત વર્ષ પૂર્વે બનેલા ચોંકાવનારા ડબલ મર્ડર કેસમાં રાજકોટની નામદાર સેશન્સ કોર્ટએ ગુરુત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટએ ત્રણેય આરોપી – જીતેન્દ્રગીરી ગણપતગીરી ગોસાઈ, ગણપતગીરી ગજરાજગીરી ગોસાઈ અને લાભુબેન ગણપતગીરી ગોસાઈને તકસીરવાન ઠેરવ્યા છે. કોર્ટએ પિતા-પુત્રને આજીવન કેદ તથા રૂ. 10 લાખ દંડ સાથે દોષિત જાહેર કર્યા છે, જ્યારે માતા લાભુબેનને મહાવ્યથાના ગુનામાં ત્રણ વર્ષની કેદ તથા રૂ. 50 હજાર દંડની સજા ફરમાવી છે. વધુમાં, કોર્ટએ દંડની રકમમાંથી કુલ રૂ. 11 લાખનું વળતર ભોગ બનનાર પરિવારોને ચુકવવાનો હુકમ આપ્યો છે. જેમાં મરણજનાર વિમલભાઈ અને લાલજીભાઈના પરિવારને રૂ. 5-5 લાખ અને ઈજા પામનાર ગોવિંદભાઈને રૂ. 1 લાખ આપવાનો આદેશ છે. કેસની હકિકતો મુજબ, 7 મે 2017ના રોજ નાના ઝઘડામાં ઉશ્કેરાઈ આરોપી જીતેન્દ્રગીરીએ વિમલભાઈ અને લાલજીભાઈ ઉપર છરીના ઘા મારી હત્યા કરી હતી, જ્યારે ગોવિંદભાઈને ગંભીર ઈજાઓ પહોંચાડવામાં આવી હતી. તપાસ દરમ્યાન પોલીસે પુરાવા અને હથિયાર કબ્જે કરી ચાર્જશીટ દાખલ કરી હતી. આ ગંભીર કેસમાં સરકાર તરફથી સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે ધીરજકુમાર પીપળીયાએ સફળતાપૂર્વક દલીલો કરી હતી, જ્યારે ફરીયાદી તરફથી એડવોકેટ અંશ ભારદ્વાજ અને અભય ભારદ્વાજ એન્ડ એસોસીએટ્સની ટીમે કાયદાકીય લડત આપી હતી. કુલ 23 સાક્ષીઓ અને 38 પુરાવાઓના આધારે કોર્ટએ દોષીતોને કડક સજા ફરમાવી હતી.
આ કેસમાં ક્રોસ-કમ્પ્લેન્ટ પણ નોંધાઈ હતી જેમાં બંને પક્ષોની તપાસ પછી કોર્ટએ ગોવિંદભાઈને નિર્દોષ ઠરાવ્યા હતા. કોર્ટએ સ્પષ્ટ કહ્યું કે નાનો ઝઘડો જીવલેણ બની ગયો, જે ગામ અને સમાજ બંને માટે ચેતવણીરૂપ છે.
- Advertisement -
ઇજાગ્રસ્ત અને મૃતકના પરિવારજનને વળતર ચૂકવવા કોર્ટનો આદેશ
વિમલભાઈ વાસાણીના પરિવારને રૂ.5,00,000
લાલજીભાઈ ભાયાણીના પરિવારને રૂ.5,00,000
ઇજાગ્રસ્ત : ગોવિંદભાઈ ભાયાણીને રૂ.1,00,000