કોંગ્રેસના આક્ષેપો: રીનોવેશનના નામે ભ્રષ્ટાચાર: ટાઉન હોલ ગોડાઉન જેવો બન્યો, શ્ર્વાન અને ગંદકીનો અડ્ડો
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.15
- Advertisement -
મોરબી નગરપાલિકા સંચાલિત ટાઉન હોલ, જેનું 1.50 કરોડના ખર્ચે લોકાર્પણ કરવામાં આવ્યું હતું, તેની આઠ વર્ષના સમયગાળામાં જ સ્થિતિ અત્યંત દયનીય બની ગઈ છે. એક સમયે નાટક, સન્માન સમારોહ અને સામાજિક કાર્યક્રમોનું એકમાત્ર મંચ ગણાતું આ ટાઉન હોલ આજે શ્વાનના આંટાફેરા અને ગંદકીનો અડ્ડો બની ગયું છે. શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહે આ મામલે અખબારી યાદી બહાર પાડીને ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું છે કે ભ્રષ્ટાચારી સત્તાધીશોના પાપે હાલ ટાઉન હોલમાં ઊભા રહી શકાય તેવી સ્થિતિ રહી નથી અને તેની હાલત એક ગોડાઉન જેવી કરી નાખવામાં આવી છે. કોંગ્રેસ પ્રમુખે સ્પષ્ટ આક્ષેપ કર્યો કે ટાઉન હોલના રીનોવેશનના નામે ભ્રષ્ટાચાર થયો છે.
પુષ્પરાજસિંહે ગંભીર સવાલો ઉઠાવતા પૂછ્યું છે કે શું નગરપાલિકાના કમિશ્નર આ કૌભાંડની તટસ્થ તપાસ કરશે? કે પછી ભૂતકાળમાં નંદીધર, 45-ડી, આવાસ યોજના કે ખરાબ સિમેન્ટની થેલીમાં થયેલા ભ્રષ્ટાચારની જેમ આ કૌભાંડમાં પણ ભીનું સંકેલવામાં આવશે? તેમણે ચીમકી ઉચ્ચારી છે કે જો આ મામલે તટસ્થ તપાસ થાય તો અનેક નેતાઓના ’તપેલા ચડી જાય’ તેમ છે.