આમ આદમી પાર્ટીની સભા માટે કોઈ સત્તાવાર મંજૂરી લેવામાં ન આવતા પોલીસ જાતે ફરિયાદી બની કાર્યવાહી હાથ ધરી
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
પોરબંદર નજીકના માંડવા ગામે આમ આદમી પાર્ટી દ્વારા મંજૂરી વિના રાજકીય સભાનું આયોજન કરાયા બાદ પોલીસએ કાર્યવાહી હાથ ધરી છે. કુતિયાણા પોલીસ મથકે આ મામલે મહિલા સરપંચના પુત્ર વેજાભાઈ મારખી વરુ સામે જાહેરનામાંના ભંગનો ગુનો નોંધ્યો છે.
- Advertisement -
કુતિયાણા પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ અશોક જાડેજા દ્વારા દાખલ થયેલી ફરિયાદ મુજબ, તા. 12 ઓક્ટોબર 2025 ના રોજ સાંજે લગભગ 6 વાગ્યે માંડવા ગામના રામ મંદિર ચોક ખાતે આમ આદમી પાર્ટી દ્વારા મંજૂરી વગર સભાનું આયોજન થયું હતું.
આ સભામાં પક્ષના કાર્યકરો, આગેવાનો તથા આશરે 100 જેટલા ગ્રામજનો હાજર રહ્યા હતા. જાગૃત નાગરિક દ્વારા આ સભાના ફોટા અને વિડિયો પુરાવા સાથે પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસએ તપાસ હાથ ધરી હતી.
પ્રાથમિક પૂછપરછ દરમિયાન મહિલા સરપંચ રૂપીબેન મારખી વરુના પુત્ર વેજાભાઈએ સ્વીકાર્યું હતું કે તેમણે આ સભાનું આયોજન કર્યું હતું. પોલીસ દ્વારા તેમને કોઈ સક્ષમ અધિકારી પાસેથી મંજૂરી લીધી હોય તે અંગે પુરાવા રજૂ કરવા જણાવાયું હતું, પરંતુ તેઓ કોઈ પણ પ્રકારની મંજૂરી રજૂ ન કરી શક્યા. આથી પોલીસએ જાહેર સભા યોજવા માટેની મંજૂરી વિના કાર્યક્રમ યોજવાના આરોપે વેજાભાઈ મારખી વરુ સામે ગુનો નોંધ્યો છે. કુતિયાણા પોલીસે ધોરણસર અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.