ગોરક્ષનાથ મંદિર ખાતે મૂર્તિ ખંડિત મામલે રાજ્યમાં કોમી વૈમનસ્ય ફેલાય તેવા કૃત્યનો પર્દાફાશ
પોલીસ અને FSL તપાસમાં કાવતરું ખૂલ્લું પડી ગયું, બંનેની ધરપકડ તૂટેલા કાચમાંથી મૂર્તિ ન નીકળી શકે તે કડી મહત્વની બની
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.14
જૂનાગઢ ગિરનાર પર્વત પર આવેલા પૌરાણિક ગોરખનાથ શિખર મંદિરમાં તા. 5 ઓક્ટોબરના રોજ બનેલી મૂર્તિ ખંડિત કરવાની ઘટનાનું રહસ્ય પોલીસે ઉકેલી નાખ્યું છે. આસ્થાને ઠેસ પહોંચાડનારું આ કૃત્ય કોઈ બહારના તત્ત્વએ નહીં, પરંતુ મંદિરના જ પગારદાર સેવક અને એક ભૂતપૂર્વ સેવક (ફોટોગ્રાફર) દ્વારા કરવામાં આવ્યું હતું. બંનેએ મંદિરને અને પોતાને ’લાઈમલાઈટ’માં લાવવા તથા ભાવિકોની સંખ્યા વધારવા માટે આ કાવતરું ઘડ્યું હોવાની કબૂલાત આપી છે. ગોરખનાથ શિખર પર મંદિરમાં તોડફોડ અને મૂર્તિ ખંડિત કરવા મામલે પોલીસે મંદિરના પૂજારી તથા ફોટોગ્રાફર તરીકે કામ કરતા દુકાનદારને પકડી લીધા છે. આ બંનેએ મંદિર અને પોતાને લાઈમ લાઈટમાં લાવવા તેમજ ભાવિકોની સંખ્યા વધે તે માટે કાવતરૂ રચી આ કૃત્ય કર્યાની કબૂલાત આપી હતી. લોખંડના સળીયા વડે મંદિરનો કાચ તોડી નાખ્યા બાદ તાળુ ખોલી મૂર્તિ ખીણમાં ફેંકી દીધી હતી. તુટેલા કાચમાંથી મૂર્તિ નીકળી શકે એટલી જગ્યા ન હતી.
આ બાબત એફએસએલ તપાસમાં સામે આવી હતી અને તે જ પોલીસ માટે મહત્વની કડી બની હતી. ગિરનાર પર્વતના 6000 પગથિયે આવેલા ગુરુ ગોરક્ષનાથ મંદિર ખાતે મૂર્તિ ખંડિતના કેસમાં પોલીસે મંદિરના પગારદાર સેવક કિશોર શિવનદાસ કુકરેજા અને અગાઉ મંદિરમાં કામ કરી ચૂકેલા જૂનાગઢ રહેતા ફોટોગ્રાફર રમેશ હરગોવિંદભાઈ ભટ્ટની ધરપકડ કરી છે. એસપી સુબોધ ઓડેદરાએ જણાવ્યું હતું કે, ગઈ તા.5 ઓક્ટોબરના રોજ વહેલી સવારે ગોરક્ષનાથ મૂર્તિનો શિરચ્છેદ કરી મૂર્તિ ઉખાડી ખીણમાં ફેંકી દીધાનો બનાવ બન્યો હતો. જેની તપાસ ડીવાયએસપી હિતેશ ધાંધલ્યાના માર્ગદર્શનમાં ક્રાઈમ બ્રાન્ચ પીઆઇ કે.એમ. પટેલને સોંપી હતી. આરોપીઓને શોધવા અલગ અલગ 10 ટીમ દ્વારા સીસીટીવી ફૂટેજ મેળવી ગિરનાર દર્શને આવેલા લોકો, ડોળીવાળા, મજૂરો સહિતનાને ચેક કરવામાં આવ્યા હતા. રોપ-વેની મુસાફરી કરનાર 71 ગ્રૂપનો સંપર્ક કરી પૂછપરછ કરવામાં આવી હતી. એફએસએલની હાજરીમાં ઘટનાનું ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યું હતું.
મંદિરનું તાળું ખોલી અને દરવાજા સિવાય 50 કિલોની મૂર્તિ બહાર નીકળી શકવાની શક્યતા ઓછી હોવાનું જણાતા અંદરની વ્યક્તિની સંડોવણી હોવાની શંકા આધારે મંદિર નજીકની દુકાનમાં ફોટોગ્રાફર તરીકે કામ કરનાર 50 વર્ષીય રમેશ હરગોવિંદ ભટ્ટ અગાઉ 3 મહિના મંદિરમાં પગારદાર તરીકે રોકાયો હતો. તેની સંડોવણી હોવાની હકીકત મળતા તેની પૂછપરછમાં મુંબઈ ઉલ્લાસનગરનો અને અઢી વર્ષથી મંદિરમાં પગારદાર સેવક તરીકે કામ કરતાં 42 વર્ષીય કિશોર શિવનદાસ કુકરેજાએ લોખંડની સ્ટિક વડે મંદિરનો કાચ તોડયો, બાદમાં તેણે મંદિરનું તાળું ખોલી મૂર્તિ દરવાજા વાટે બહાર કાઢી બંને સાથે મૂર્તિને દીવાલ પરથી નીચે ખીણમાં ફેંકી દીધી હોવાની કબૂલાત રમેશ ભટ્ટે કરી હતી. કિશોરે ’હું સવારે તારી પાસે આવી મૂર્તિ ચોરાઈ ગઈ છે તેમ જણાવું ત્યારે તું અજાણ હોવાનો ઢોંગ કરજે’ તેમ કહ્યું હોવાનું જણાવી રમેશે પૂછપરછમાં વટાણા વેરી નાખ્યા હતા. જેના આધારે બંનેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.