વીજળી, પાણી, ટ્રાફિક, આરોગ્ય અને ભાવ નિયંત્રણની સૂચના આપી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.14
જૂનાગઢમાં આગામી તા. 2 નવેમ્બરથી શરૂ થનારી ગિરનારની લીલી પરિક્રમાની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી.
દેશભરમાંથી ઉમટી પડનારા લાખો શ્રદ્ધાળુઓને જરૂરી સગવડતાઓ મળી રહે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જરૂરી આયોજન શરૂ કરી દેવામાં આવ્યું છે. પરિક્રમામાં આવતા શ્રદ્ધાળુઓ માટે વીજળી, પાણી, આરોગ્ય સહિતની પ્રાથમિક સુવિધાઓ સુનિશ્ચિત કરવી તેમજ માનવ ભીડના કારણે કોઈ અકસ્માત ન સર્જાય તે માટે વિશેષ વ્યવસ્થાઓ રાખવી, તેમજ દામોદરકુંડની સફાઈ કરાવવી. પરિક્રમાને ધ્યાને રાખીને પરિવહન ટ્રાફિક વ્યવસ્થાપન અને પાર્કિંગની વ્યવસ્થા માટે જરૂરી નિર્દેશો અપાયા અને ગિરનાર પરિક્રમા જવાના રસ્તાઓ અને જંગલ વિસ્તારના રૂટના રસ્તાઓની તાત્કાલિક મરામત કરવી.
- Advertisement -
ભાવિકોનું આરોગ્ય ન જોખમાય તે માટે ખાદ્ય પદાર્થોની ચકાસણી કરવી તથા સાથે જ, રીક્ષા ભાડા અને દૂધના ભાવ વધારે ન લેવાય તે માટે તકેદારી રાખવા સંબંધિત અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી. આ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર તેજસ પરમાર, જિલ્લા વિકાસ અધિકારી એચ.પી. પટેલ, નિવાસી અધિક કલેકટર બી.એસ. બારડ સહિત વન, આરોગ્ય, માર્ગ અને મકાન, પીજીવીસીએલ અને પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.