હિન્દી ભવનમાં અધ્યક્ષની ચેમ્બર જ ફાળવાઈ નથી!
કૌભાંડો અને વિવાદોનું ઘર બની ગઈ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી: ચોકીદાર ખૂદ જ ચોર હોય તેવો ઘાટ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હિન્દી, મનોવિજ્ઞાન, કોમ્પ્યુટર, એમબીએ અને અંગ્રેજી એમ કુલ પાંચ ભવનમાં થયેલી હેડશિપ બાય રોટેશન નીતિના અમલ બાદ એક પછી એક વિવાદ સર્જાઈ રહ્યા છે. મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડો. યોગેશ જોગશનને હટાવી પ્રોબેશન પર રહેલા જૂનિયર પ્રોફેસર ડો. તરલિકા ઝાલાવાડીયાને મોસ્ટ સિનિયર પ્રોફેસર ગણાવી હેડ બનાવી દેતા સમગ્ર મામલો કાનૂની પ્રક્રિયામાં ગૂંચવાઈ ગયો છે ત્યારે હવે હિન્દી ભવનમાં પણ હેડશિપ બાય રોટેશન નીતિના અમલ બાદ નવા બનેલા અધ્યક્ષે ચેમ્બરની ફાળવણી મામલે વિવાદ સર્જી દીધો છે.
બનાવની વિગત અનુસાર હિન્દી ભવનના અધ્યક્ષ તરીકે ડો. કલાસવા હતા. હેડશિપ બાય રોટેશન નીતિના અમલ બાદ તેમની જગ્યાએ પ્રો. શૈલેષ મહેતાને નવા અધ્યક્ષ બનાવી હિન્દી ભવનનો ચાર્જ સોપવામાં આવ્યો છે. હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અધ્યાપકોના વોટ્સએપ ગ્રુપમાં હિન્દી ભવનના નવા બનેલા અધ્યક્ષ શૈલેષ મહેતાએ એક મેસેજ કરેલો છે, જે મેસેજને લઈ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અધ્યાપકો-અધ્યાપકો વચ્ચે વિવાદ ઉભો થઈ તરહતરહની ચર્ચાએ જોર પકડ્યું છે. પ્રાપ્ત વિગત અનુસાર હિન્દી ભવનના નવા અધ્યક્ષ પ્રો. શૈલેષ મહેતાએ અધ્યાપકોના ગ્રુપમાં એવો મેસેજ કર્યો હતો કે, ભવનના અધ્યક્ષની ચેમ્બરમાં કોને બેસવાનું હોય છે? ભૂતપૂર્વ અધ્યક્ષને કે વર્તમાન અધ્યક્ષને? મારૂ એવું મંતવ્ય છે કે, ભવનના વડાની ચેમ્બરમાં જેતે ભવનના અધ્યક્ષને જ બેસવાનું હોય છે. જેથી તે ભવનની વિવિધ ગતિવિધીઓ પર યોગ્ય સંચાલન કરી શકે. આ મેસેજ મારફતે પ્રો. શૈલેષ મહેતાએ પોતાના ભવન સિવાયના અન્ય ભવનના અધ્યાપકો પાસે મંતવ્યની અપેક્ષા રાખી હતી.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અધ્યાપકોના ગ્રુપમાં હિન્દી ભવનના નવા અધ્યક્ષ પ્રો. શૈલેષ મહેતાના મેસેજ બાદ કેટલાક અધ્યાપકોએ આ મામલો ભવનનો આંતરિક હોય અને ગ્રુપમાં આ પ્રકારના મેસેજ અસ્થાને છે એવું સ્પષ્ટ જણાવ્યું હતું તો કેટલાક અધ્યાપકોએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, હિન્દી ભવનના નવા અધ્યક્ષ શૈલેષ મહેતાએ જાણી જોઈને અધ્યાપકના ગ્રુપમાં આ પ્રકારનો મેસેજ કરી નવા વિવાદને જન્મ આપી દીધો છે. ક્યાંકને ક્યાંક આ પ્રકારનો મેસેજ કરી તેઓએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ઓબીસી, એસી, એસટી ઉમેદવારોને ક્યાં પ્રકારે અન્યાય કરવામાં આવે છે તે પણ જગજાહેર કર્યું છે. જો પ્રો. શૈલેષ મહેતાને કોઈપણ પ્રકારની તકલીફ હોય તો તેઓએ કુલપતિ અથવા રજીસ્ટ્રાર સમક્ષ રજૂઆત કરવી જોઈએ નહીં કે અધ્યાપકોના ગ્રુપમાં આ પ્રકારનો મેસેજ કરી નવા વિવાદને જન્મ આપવો જોઈએ.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આંતરિક સૂત્રોના જણાવ્યા અનુસાર હિન્દી ભવનમાં અધ્યક્ષની કોઈ ખાસ ચેમ્બર ફાળવવામાં જ આવી નથી. 2011 પછી બનેલ ભવનમાં અધ્યક્ષની અલગ અને મોટી સુવિધા વાળી ચેમ્બર બનાવી આપેલ છે એટલે નવા બનેલ ભવનમાં જ આ વ્યવસ્થા છે. હિન્દી ભવનમાં જૂના અધ્યક્ષ ડો. કલાસવા જે ચેમ્બરમાં બેસતા હતા તે ચેમ્બરને અધ્યક્ષની ચેમ્બર સમજી નવા બનેલા અધ્યક્ષ તેમની પર કબ્જો જમાવવા માગે તો તે ભૂલ ભરેલું છે. આ ઉપરાંત હિન્દી ભવનમાં અધ્યક્ષ અને પ્રોફેસરની ચેમ્બર તેમજ કલાસરૂમ સિવાય બીજા છ જેટલા ઓરડાઓ ખાલી પડ્યા છે તેમાં પણ પ્રો. શૈલેષ મહેતા પોતાની નવી ચેમ્બર બનાવી શકે છે. ડો. કલાસવા જે ચેમ્બરમાં બેસે છે તે ચેમ્બર ભવનના અધ્યક્ષની જ છે તેવું કહી ન શકાય.
નોંધનીય છે કે, જો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા હિન્દી ભવનના જૂના અધ્યક્ષ ડો. કલાસવાને તેમની ચેમ્બર ખાલી કરી નવા અધ્યક્ષ પ્રો. શૈલેષ મહેતાને સોંપવા લેખિત જણાવવામાં આવે તો જ ડો. કલાસવાએ પોતાની ચેમ્બર પ્રો. શૈલેષ મહેતાને સોંપવાની રહે છે. કુલપતિ કે રજીસ્ટ્રાર દ્વારા હિન્દી ભવનના જૂના અધ્યક્ષને તેમની ચેમ્બર ખાલી કરવા કોઈ પ્રકારની લેખિત-મૌખિક જાણ કરાઈ નથી. હિન્દી ભવનની જેમ જ અન્ય ભવનમાં હેડશિપ બાય રોટશન નીતિમાં અમલ બાદ અધ્યક્ષની ચેમ્બર મામલે વિવાદ ન જન્મે તે માટે કુલપતિ-રજીસ્ટ્રાર મારફતે આ અંગે પરિપત્ર બહાર પાડવો જોઈએ. હાલ તો હિન્દી ભવનના નવા અધ્યક્ષ પ્રો. શૈલેષ મહેતા દ્વારા અધ્યાપકના ગ્રુપમાં ચેમ્બર ફાળવણી અંગે મેસેજ કર્યા બાદ સમગ્ર મામલે જૂના અધ્યક્ષ ડો. કલાસવા શું કાર્યવાહી કરશે તે જોવું રહ્યું.



