ગાંધીનગરનાં બહિયલમાં ત્રીજા નોરતે પથ્થરમારો-તોફાન
વહેલી સવારથી જ ગેરકાયદે દબાણો તોડવાનું શરૂ, કુલ 190 કાચાં-પાકાં દબાણો પર બુલડોઝર ફરશે
- Advertisement -
દબાણકારોને બે દિવસમાં બાંધકામના પુરાવા રજૂ કરવાનું અલ્ટિમેટમ આપ્યું હતું
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર
ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના બહિયલ ગામમાં ત્રીજા નોરતાની રાત્રે સોશિયલ મીડિયા પોસ્ટના મામલે થયેલા હિંસક તોફાનકાંડ બાદ વહીવટી અને પોલીસતંત્ર એક્શન મોડમાં આવી ગયાં છે. ગરબા દરમિયાન પથ્થરમારો, પોલીસ પર હુમલો અને ચાર જેટલી દુકાનોને આગ ચાંપવાના ગંભીર બનાવ બાદ કાયદાનું કડક પાલન કરાવવા માટે આજે(9 ઓક્ટોબર) વહેલી સવારથી વહીવટી તંત્ર દ્વારા ગામના મુખ્ય માર્ગો પરના ગેરકાયદે કાચાં-પાકાં દબાણો તોડી પાડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
તોફાનકાંડ બાદ બરેલી-યુપીની જેમ ગેરકાયદે મિલકતો પર બુલડોઝર એક્શનની માગણી ઊઠી હતી, જેને પગલે તંત્ર દ્વારા તોફાની તત્ત્વો સહિત સમગ્ર વિસ્તારના અંદાજિત 190 જેટલા દબાણકારોને નોટિસો ફટકારવામાં આવી હતી. આ દબાણકારોને બે દિવસમાં બાંધકામના પુરાવા રજૂ કરવાનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું, જેની સમયમર્યાદા બુધવારે સાંજે પૂર્ણ થઈ ગઈ હતી.
- Advertisement -
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ સમયગાળામાં એક પણ દબાણકાર દ્વારા માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) વિભાગીય દહેગામ તેમજ નાયબ કાર્યપાલક ઈજનેર પાટનગર યોજના પેટા વિભાગ (સ્ટેટ) સમક્ષ બાંધકામનો પુરાવો રજૂ કરવામાં આવ્યો નહોતો. પુરાવાના અભાવે, આજે ગુરુવાર વહેલી સવારથી જ ચુસ્ત પોલીસ-બંદોબસ્ત સાથે ગેરકાયદે દબાણો તોડી પાડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, તંત્ર દ્વારા બુલડોઝરની મદદથી દબાણો હટાવવાની કામગીરી શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે. નોટિસ મળતાંની સાથે જ દબાણકર્તાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો અને તેમણે પોતાનો માલ-સામાન હટાવવાનું શરૂ કરી દીધું હતું.
બહિયલ હિંસા: 83 લોકો સામે નામજોગ અને 200ના ટોળાં સામે ફરિયાદ દાખલ કરાઈ હતી
હિંસક તોફાનની ઘટના બનતાંની સાથે જ પોલીસતંત્ર સક્રિય બની ગયું હતું. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને 83 લોકો સામે નામજોગ અને 200ના ટોળા સામે ફરિયાદ દાખલ કરી હતી. અત્યારસુધીમાં 66થી વધુ શંકાસ્પદ તોફાનકારોની ધરપકડ કરીને તેમને જેલ હવાલે કરવામાં આવ્યા છે. પોલીસતંત્ર દ્વારા તોફાની તત્ત્વો પર કાયદાનો ગાળિયો કસવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, બહિયલ ગામ અંદાજે 16થી 17 હજારની વસતિ ધરાવતું ગામ છે, જેમાં 70 ટકાથી પણ વધુ લોકો મુસ્લિમ સમુદાયના લોકો રહે છે. જ્યારે બાકીની 30 ટકા જેટલા લોકો હિન્દુ સમુદાયના છે.



