કેલિફોર્નિયાએ સત્તાવાર રીતે દિવાળીના તહેવારને રાજ્યની રજા તરીકે માન્યતા આપી છે. તે હવે યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકામાં પેન્સિલવેનિયા અને કનેક્ટિકટ પછી ત્રીજું રાજ્ય બન્યું છે, જે દિવાળીને રાજ્યની રજા તરીકે જાહેર કરે છે.
અમેરિકામાં દર વખતે ભારતીયોને લઈને ખરાબ સમાચાર આવે તેવું પણ નથી. કયારેક સારા સમાચાર પણ આવી શકે છે અને તે પણ ટ્રમ્પનું શાસન હોય તો પણ આવી શકે છે. અમેરિકામાં કેલિફોર્નિયા ત્રીજું એવું રાજ્ય બન્યું છે જેણે દિવાળીને સ્ટેટ હોલિડે જાહેર કર્યો છે. આના કારણે આ દિવસો દરમિયાન ત્યાં હવે સત્તાવાર રજા રહેશે. કેલિફોર્નિયામાં દસ લાખથી પણ વધુ ભારતીય રહે છે.
- Advertisement -
કેલિફોર્નિયાના ગવર્નર ગેવિન ન્યુસમે મંગળવારે જાહેરાત કરી હતી કે તેણે એસેમ્બલીના સભ્ય એશ કાલરાએ દિવાળીને સ્ટેટ હોલિડે તરીકે રજૂ કરતા બિલ પર સહી કરી છે. સપ્ટેમ્બરમાં એબી 268 ટાઇટલ ધરાવતુ બિલ રજૂ કરવામાં આવ્યું હતું અને બંને ગૃહ દ્વારા સફળતાપૂર્વક પસાર કરવામાં આવતા કાયદો બન્યું હતું. તેના પછી ગવર્નરની અંતિમ મંજૂરીની રાહ જોવાતી હતી તે હવે મળી ગઈ છે. સૌથી વધારે મહત્ત્વની વાત એ છે કે ટ્રમ્પ વસાહતીઓ વિરોધી અબિયાન ચલાવી રહ્યા છે તે સમયે જ કેલિફોર્નિયામાં દિવાળીને સ્ટેટ હોલિડે જાહેર કરવામાં આવ્યો છે. અમેરિકામાં કેલિફોર્નિયાને ભારતીયોનું બીજું ઘર માનવામાં આવે છે. ગવર્નરની બિલ પર સહી સાથે દસ લાખથી પણ વધુ ભારતીયો ખુશીથી ઝૂમી ઉઠયા છે. સૌપ્રથમ 2024માં પેન્સિલ્વેનિયાએ દિવાળીને સ્ટેટ હોલિડે જાહેર કર્યો હતો. તેના પછી કનેક્ટિકટે દિવાળીને સ્ટેટ હોલિડે જાહેર કર્યો છે.
આ બંને રાજ્યોમાં પણ ભારતીયોની વસ્તી નોંધપાત્ર પ્રમાણમાં છે. આ સિવાય ન્યૂયોર્કમાં દિવાળીના દિવસોમાં પબ્લિક સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી છે. આમ ટ્રમ્પે તાજેતરમાં લીધેલા પગલાંઓ પરથી પહેલી વખત ભારતીયોને રાહત થાય તેવું કંઇક અમેરિકામાં બન્યું છે.
ઇન્ડિયાસપોરાના સ્થાપક અને ચેરમેન એમ આર રંગનાથસ્વામીએ જણાવ્યું હતું કે કેલિફોર્નિયાનો આ ઐતિહાસિક નિર્ણય ભારતીય અમેરિકનોએ કેલિફાર્નિયાની વૃદ્ધિ અને સફળતામાં કરેલા પ્રદાન પર મારવામાં આવેલી મહોર છે. ભારતીયોએ કેલિફોર્નિયાના અર્થતંત્રથી લઈને કલા, વિજ્ઞાાન, જાહેરજીવન, રાજ્યમાં કમ્યુનિટીઝને અપલિફ્ટ કરવામાં આપેલા પ્રદાનને આ પગલાં દ્વારા બિરદાવવામાં આવ્યું છે.
- Advertisement -
સ્ટેટ | ભારતીયોની વસ્તી |
કેલિફોર્નિયા | 10 લાખથી વધુ |
પેન્સિલ્વેનિયા | લગભગ 2 લાખ |
કનેક્ટિકટ | લગભગ 1 લાખ |




