સામાજીક-સેવાકીય સંસ્થાઓના નામ સાથે ’ઉમિયાધામ સિદસર પ્રેરિત’ ગણાશે
ઉમિયાધામ સિદસરના પ્રમુખની જાહેરાતના પગલે પાંચ સંસ્થાઓ ઉમિયાધામના નેજા હેઠળ જોડાઈ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
તાજેતરમાં જ એકાદ મહિના પૂર્વે જ કડવા પાટીદારોની શિરમોર સંસ્થા ઉમિયાધામ સિદસરના પ્રમુખ તરીકે ભામાશા અને પાટીદાર શ્રેષ્ઠી રાજકોટની આન-બાન સમા દિગ્ગજ ઉદ્યોગપતિ મૌલેશભાઈ ઉકાણીની વરણી થયા બાદ ઉમિયાધામની પ્રવૃતિમાં એક નવી જ ચેતના આકાર લઈ રહી છે. ગઈકાલે રાજકોટ ખાતે યોજાયેલા શરદોત્સવના કાર્યક્રમમાં હજારો પાટીદારોની ઉપસ્થિતીમાં મૌલેશભાઈ ઉકાણીએ સૌરાષ્ટ્રભરના તમામ શહેર- જીલ્લા-તાલુકા કક્ષાની તમામ નાની મોટી પાટીદાર સંસ્થાઓ ઉમિયાધામ સિદસરના નેજા હેઠળ મા ઉમિયાના છત્ર હેઠળ, એક ધ્વજા હેઠળ, સિદસરના નેજા હેઠળ એક બની કાર્ય કરવા હાંકલ કરી હતી.
પાટીદાર સમાજના ઉત્કર્ષ અને ઉત્થાન માટે કાર્યરત સંસ્થાઓ ઉમિયાધામ સિદસરના નેજા હેઠળ સેવાકીય અને સામાજીક કામ માં જોડાય તેવી અપીલના પગલે સૌરાષ્ટ્રભરમાં જાજરમાન નવરાત્રીના આયોજક કલબ યુવી નવરાત્રી મહોત્સવ છેલ્લા બે વર્ષથી ઉમિયાધામ સિદસર પ્રેરીત કલબ યુવી નવરાત્રી મહોત્સવ યોજે છે. તેની માફક હવેથી ઉમિયા યુવા ચેરીટેબલ ટ્રસ્ટ-રાજકોટના પ્રમુખ અશોકભાઈ દલસાણીયા, ઉમિયા પદયાત્રીક પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ-રાજકોટના પ્રમુખ વિનુભાઈ મણવર, ઉમા કા લાલ ગણપતી મહોત્સવના આયોજક કેપીએસ કલબના બીપીનભાઈ બેરા, સૌરાષ્ટ્ર કડવા પાટીદાર ટ્રસ્ટ-અયોધ્યાના મુળજીભાઈ ભીમાણી, એ ઉમિયાધામના નેજા હેઠળ કાર્યકરવાની સંમતિ દર્શાવી હતી જેની મંચ ઉપરથી જાહેરાત કરવામાં આવી હતી. આ પાંચ સંસ્થાઓએ હવેથી સંસ્થાનાામ સાથે ’ઉમિયાધામ સિદસર પ્રેરીત’ લખશે તેમજ ઉમિયાધામ સિદસરના નેજા હેઠળ સામાજીક સેવાકીય પ્રવૃતિઓને એક નવી ઓળખ આપશે.
- Advertisement -
શરદપૂનમની રઢીયાળી રાતે યોજાયેલા કડવા પાટીદાર સમાજના શરદોત્સવમાં હજારો પાટીદારોની ઉપસ્થિતિમાં ઉમિયાધામ સિદસરના પ્રમુખ અને ઉમિયા માતાજી મંદિર સંસ્થાન ઉઝાના ઉપપ્રમુખ, પાટીદાર ભામાશા મૌલેશભાઈ ઉકાણીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, સારા કર્મોને કારણે માનવ જન્મ મળે પણ ઇશ્વરના પ્યારા હોય તો પાટીદાર સમાજમાં જન્મ મળે. પાટીદાર સમાજ આજે વિશ્વના ખૂણે-ખૂણે પહોંચ્યો છે અને પ્રગતિ કરી રહ્યો છે. સમાજને ટકોર કરતા તેઓએ કહ્યું હતું કે પાટીદાર સમાજમાં સંગઠનના અભાવે ઘણું ગુમાવવું પડે છે. તેઓએ સૌરાષ્ટ્રભરના તમામ શહેર- જીલ્લા-તાલુકા કક્ષાની તમામ નાની મોટી પાટીદાર સંસ્થાઓ ઉમિયાધામ સિદસરના નેજા હેઠળ મા ઉમિયાના છત્ર હેઠળ, એક ધ્વજા હેઠળ, સિદસરના નેજા હેઠળ એક બની કાર્ય કરવા હાંકલ કરી હતી. સામાજીક ક્ષેત્રે ક્રાંતિ કહી શકાય તેવી ઉમિયાધામ સિદસરના પ્રમુખ મૌલેશભાઈ ઉકાણીની જાહેરાતને પાટીદાર સમાજ-સંસ્થાઓએ અનુમોદન આપીને વધાવી લીધી હતી.
ઉલ્લેખનીય છે કે સૌના પ્રિય, સીધા-સાદા નિરાભીમાની, દ્વારકાધીશ ભગવાનના પરમભકત અજાતશત્રુ મૌલેશભાઈ ઉકાણીએ સૌના સાથ સૌના વિકાસથી સમાજને એક કરવાની સમાજના સૌએ એક થવાની અને પોતાની એકતા દર્શાવવાની વાત વખતોવખત કરી છે. સૌરાષ્ટ્રના ભામાશા તરીકેની જેમની ઓળખ છે એવા મૌલેશભાઈ ઉકાણીના આવા ઉમદા વિચારને કારણે અનેક રાજકીય સંગઠનો દ્વારા તેમને ચૂંટણી લડવાની પણ ઓફર કરવામાં આવી છે આમ છતાં રાજકરણથી દૂર રહી તેઓએ સમાજમાં પણ રાજકારણ ન પ્રવેશે તેનું ખૂબ ધ્યાન રાખ્યું છે. કોઈપણ પ્રકારના સ્વાર્થ વિના સમાજને સાથે રાખીને તેઓ રક્તદાન કેમ્પથી લઈ અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરતા આવ્યા છે ત્યારે હવે સૌરાષ્ટ્રભરની પાટીદાર સંસ્થાઓને મા ઉમિયાની ધ્વજા હેઠળ કામ કરવા મૌલેશભાઇ ઉકાણીની હાકલ પાટીદાર સમાજમાં એક અનેરી સિદ્ધિ અને યોગદાન ગણાશે.