જોરાવરનગર પોલીસ અને ખાણ-ખનીજ વિભાગનો મોટો સપાટો: કરોડોના મુદ્દામાલની જપ્તી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.8
સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર રીતે ચાલતા ખનીજ ખનન અને વહનની પ્રવૃત્તિને ડામવા માટે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ અને નાયબ પોલીસ અધિક્ષક વી.બી. જાડેજાની સૂચનાથી જોરાવરનગર પોલીસ અને ખાણ-ખનીજ વિભાગે આજે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું.
ખાનગી રાહે મળેલી ચોક્કસ બાતમીના આધારે મોટા મઢાદ (તા. વઢવાણ)ના સર્વે નં. 35ની બાજુમાં ચાલી રહેલી ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ પર રેડ કરવામાં આવી હતી.
રેડ દરમિયાન ગેરકાયદેસર રીતે બ્લેક ટ્રેપ ખનીજની ખાણ ખોદીને ખનીજ કાઢવાની પ્રવૃત્તિ ચાલી રહી હતી. આ કાર્યવાહીમાં ખાણ-ખનીજ વિભાગ, સુરેન્દ્રનગર દ્વારા ઘટનાસ્થળેથી (પાંચ) હિટાચી મશીન (ખાણ ખોદવામાં ઉપયોગમાં લેવાતા) અને 3 (ત્રણ) ડમ્પર સહિતનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે.
હાલ ખાણ-ખનીજ વિભાગ, સુરેન્દ્રનગરની ટીમ દ્વારા આ ખનન કઈ જગ્યામાં થતું હતું તેની માલિકી બાબતે, કોના દ્વારા ખનન કરવામાં આવતું હતું તે બાબતે અને આજદિન સુધીમાં સદરહુ જગ્યાએથી કેટલું ખનીજનું ખનન થયું છે તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.