ત્રણથી વધુ નરાધમો સામે ગુનો નોંધાયો, ગંભીર રીતે ઘવાયેલી પીડિતાને જૂનાગઢ ખસેડાઈ
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
ઉના નજીક આવેલા કોસ્ટલ દરિયા કિનારાના એક ગામમાં સામૂહિક દુષ્કર્મની અત્યંત ઘૃણાસ્પદ ઘટના સામે આવી છે. ત્રણ દિવસ પૂર્વે બનેલી આ ઘટનામાં ત્રણથી વધુ શખસોએ એકલી રહેતી આધેડ મહિલાને ફોસલાવીને આ કૃત્ય આચર્યું હતું. નરાધમોએ મહિલાના ગુપ્ત ભાગે ગંભીર ઇજાઓ પણ પહોંચાડી હતી, જેના કારણે તેમની તબિયત ગંભીર બની છે. દુષ્કર્મ બાદ મહિલા ત્રણ દિવસ સુધી પીડામાં રહ્યા હતા. તબિયત વધુ લથડતાં તેમણે એક પરિચિત યુવકને જાણ કરી, જેણે તેમને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડ્યા હતા. ફરજ પરના તબીબે પોલીસને જાણ કરતાં પી.આઈ. મહેન્દ્રસિંહ રાણા અને મરીન પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે સઘન તપાસ શરૂ કરી છે. હાલ મહિલાને વધુ સારવાર માટે જૂનાગઢ ખસેડવામાં આવ્યા છે.