ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.8
આજના ટેકનોલોજીના યુગમાં શિક્ષણ પદ્ધતિને નવી દિશા આપવા માટે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અને જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ, જૂનાગઢના સંયુક્ત ઉપક્રમે આર. જે. કનેરીયા ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે શિક્ષણમાં અઈં ટૂલ્સનો ઉપયોગ વિષય પર એક પ્રેરણાદાયક સેમિનાર યોજાયો. આ સેમિનારમાં જિલ્લાની વિવિધ શાળાના શિક્ષકો, આચાર્યઓ અને શિક્ષણપ્રેમીજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
કાર્યક્રમનું ઉદ્ઘાટન કરતાં જિલ્લા શિક્ષણાધિકારી અને વર્કશોપના માર્ગદર્શક કુ. લતાબેન ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, આજના સમયમાં જ્યારે શાળાઓ સ્માર્ટ બોર્ડથી સજ્જ છે, ત્યારે શિક્ષકો માટે અઈં ટૂલ્સ જાણવા અને તેનો યોગ્ય ઉપયોગ કરવો એ સમયની માંગ છે. તેમણે ઉમેર્યું કે ટેકનોલોજીના સમન્વયથી શિક્ષણ વધુ રસપ્રદ, ઇન્ટરેક્ટિવ અને વિદ્યાર્થીકેન્દ્રિત બની શકે છે. માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ વેજાભાઈ પીઠીયા અને મંત્રી મોરી સાહેબે શિક્ષકોને સંબોધતા જણાવ્યું કે શિક્ષક શિક્ષણવ્યવસ્થાનું હૃદય છે અને અઈં ટૂલ્સનો ઉપયોગ શિક્ષણની ગુણવત્તા વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરના ડાયરેક્ટર નિલેશભાઈ સોનારા સહિત અન્ય મહાનુભાવોએ પણ આ વર્કશોપને બિરદાવ્યો હતો. આ સેમિનાર દ્વારા શિક્ષકોને નવી ટેકનોલોજી અપનાવવાની પ્રેરણા મળી અને શિક્ષણક્ષેત્રમાં AIના સર્જનાત્મક ઉપયોગ તરફ એક મહત્વપૂર્ણ પગલું ભરાયું હોવાનું સૌએ એકમતથી વ્યક્ત કર્યું હતું.