CJI ભૂષણ ગવઈની માતા કમલતાઈ ગવઈએ સુપ્રીમ કોર્ટમાં જૂતા ફેંકવાના હુમલાની નિંદા કરી, તેને બંધારણીય મૂલ્યો અને રાષ્ટ્રીય અખંડિતતા માટે ખતરો ગણાવ્યો.
ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા (CJI) બી.આર. ગવઈ પર એક વકીલ દ્વારા કરાયેલા જૂતા ફેંકવાના પ્રયાસની, તેમનાં 84 વર્ષીય માતા કમલતાઈ ગવઈએ નિંદા કરી છે. તેમણે આ કૃત્યને ભારતીય બંધારણ પરનો સીધો હુમલો ગણાવ્યો. તેમણે સ્પષ્ટતા કરી કે, ‘ભારતીય બંધારણ ભલે સૌને સમાન અધિકાર આપતું હોય, પરંતુ કાયદાને હાથમાં લેતું આવું અપમાનજનક વર્તન દેશમાં અરાજકતા ફેલાવી શકે છે.’ તેમણે ભારપૂર્વક કહ્યું કે, ‘આ દેશમાં કોઈને પણ આવું કરવાનો અધિકાર નથી.’ આ ઘટના પર પ્રતિક્રિયા આપતાં તેમણે સૌને અપીલ કરી કે, પોતાના તમામ સવાલો અને મુદ્દાઓ શાંતિપૂર્ણ રીતે રજૂ કરવા જોઈએ.
- Advertisement -
‘આ માત્ર વ્યક્તિગત નહીં, ઝેરી વિચારધારાનો હુમલો છે’
ડૉ. બી.આર. આંબેડકરના દ્રષ્ટિકોણમાં પોતાનો વિશ્વાસ વ્યક્ત કરતાં કમલતાઈએ કહ્યું કે, ‘બાબાસાહેબ આંબેડકરે આપણને ‘જીઓ અને જીવવા દો’ના સિદ્ધાંત પર આધારિત સમાવેશક બંધારણ આપ્યું. કોઈને પણ અશાંતિ ફેલાવવાનો અધિકાર નથી. હું લોકોને આગ્રહ કરું છું કે તેઓ પોતાના મુદ્દાઓને શાંતિપૂર્ણ રીતે અને બંધારણીય માધ્યમો દ્વારા હલ કરે.’
આ તરફ, અમરાવતી જિલ્લા વકીલ સંઘે મંગળવારે સુપ્રીમ કોર્ટની આ ઘટનાની નિંદા કરતાં વિરોધ પ્રદર્શન કર્યું. સેંકડો વકીલો જિલ્લા કલેક્ટર કચેરી પર એકઠા થયા અને તેમણે આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી.
- Advertisement -
શું છે આખી ઘટના?
CJI ગવઈ એક કેસની સુનાવણી કરી રહ્યા હતા ત્યારે જ એડવોકેટ રાકેશ કિશોરે તેમના તરફ જૂતા ફેંકવાનો પ્રયાસ કર્યો. સદભાગ્યે, સુરક્ષાકર્મીઓની તત્કાલ સતર્કતાને કારણે તે CJI ગવઈને વાગ્યું નહોતું. સુરક્ષાકર્મીઓએ તરત જ મામલામાં દખલ કરીને એડવોકેટ કિશોરને બહાર કાઢ્યા. બહાર નીકળતી વખતે કિશોરે ‘સનાતન કા અપમાન નહીં સહેંગે’નો નારો લગાવ્યો હતો. આ નારાને ખજૂરાહોની વિષ્ણુ પ્રતિમાના કેસની સુનાવણી દરમિયાન CJI ગવઈએ કરેલી ટિપ્પણી સાથે જોડીને જોવામાં આવી રહ્યો છે.