ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
અરબી સમુદ્રમાં સર્જાયેલા ચક્રવાત શક્તિ ને લઈને પોરબંદરની ચોપાટી પાસેના દરિયામાં ભારે કરંટ સર્જાયો હતો, જેના કારણે મહાકાય મોજાં ઉછળ્યા હતા. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોરબંદર બંદર પર 3 નંબરનું સિગ્નલ યથાવત રાખવામાં આવ્યું છે. ચોમાસાની સિઝનનું પ્રથમ વાવાઝોડું અંતિમ પડાવે અરબી સમુદ્રમાં ઉદ્ભવ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ 6 ઓક્ટોબરે ’શક્તિ’ વાવાઝોડું ગુજરાત તરફ યુ-ટર્ન લેશે અને ત્યારબાદ તેની તીવ્રતા ધીમી થવાની શક્યતા છે. આગામી પાંચ દિવસ રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નથી, પરંતુ કેટલાક વિસ્તારોમાં હળવા ઝાપટા પડી શકે છે. 8 ઓક્ટોબરે દ્વારકા, જામનગર, પોરબંદર, સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં હળવા થી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં છૂટાછવાયા ઝાપટા પડશે, જ્યારે ઉત્તર ગુજરાતમાં પાંચ દિવસ બાદ ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. આ દરમિયાન પોરબંદરની ચોપાટી કાંઠે મહાકાય મોજાં ઉછળતા જોવા મળ્યા હતા. છતાંય કેટલાક યુવાનો જોખમને અવગણીને દરિયા કાંઠે માછીમારી કરતા જોવા મળ્યા હતા.