રાજકોટમાં રાત પડતા જ બેફામ બનતા લુખ્ખાઓ ઉપર લગામ ક્યારે
કાલાવડ રોડ પર હોટલે ધમાલ મચાવનાર ટોળકીની શોધખોળ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટમાં પોલીસની ઢીલી નીતિને પાપે લુખ્ખાઓ બેફામ બની ગયા હોય તેમ ગુંડાગીરી આચરી પોલીસને પડકાર ફેંકી રહ્યા છે જ્યાં ત્યાં છરી-ધોકા કાઢી હુમલા કરવા, આતંક મચાવવાથી સામાન્ય નાગરિકો પણ ભય અનુભવી રહ્યા છે દરમિયાન શહેરના યુનિવર્સીટી પોલીસ સ્ટેશનની હદમાં શનિવારે રાત્રે કાલાવડ રોડ પર એજી ચોકમાં અને રૈયાધારના રાણીમા રૂડીમા ચોકમાં સરાજાહેર હુમલાની ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાઈ હતી જેમાં પોલીસે રૈયાધારમાં આતંક મચાવનાર સાત શખ્સોની ધરપકડ કરી ઘટનાસ્થળે લઇ જઈ કાયદાનું ભાન કરાવ્યું હતું જયારે એજી ચોકમાં ધમાલ મચાવનાર ટોળકી હજુ પોલીસ પકડથી દૂર છે.
રાજકોટના રાણીમા રૂડીમા ચોકમાં રહેતા રીક્ષાચાલક મુન્નાભાઈ વરૂ ઉ.43એ યુનિવર્સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે આઠમા નોરતે આકલો ઉર્ફે આકાશ દારૂ પીને આવતાં તેને દારૂ પીને નહીં આવવા સમજાવ્યો હતો જેનો ખાર રાખી શનિવારે આરોપીઓ હાડો ઉર્ફે ભવદીપ પરેશ ડાભી, પિયુષ પરેશ ડાભી, લાલુજી ઉર્ફે લાલો પોપટ રાઠોડ, વનો બન્ટી સોલંકી, આકલો, તેનો ભાઈ કમલેશ ઉર્ફે કમો અને 8થી 10 અજાણ્યા શખ્સોએ ગેરકાયદેસર મંડળી રચી ધોકા અને પાઈપ સાથે ધસી આવી ધવલ બાબુભાઈ વરૂ, બાબુભાઈ સિંધાભાઈ વરુ, રવિ બાબુભાઈ વરૂ પર હુમલો કર્યો હતો. જ્યારે કિંજલ બાબુભાઈ વરૂને ધક્કો મારી પછાડી દીધી હતી આ ઉપરાંત બાબુ ઉર્ફે આનંદ પરમારની કારમાં ધોકા-પાઈપના ઘા ઝીંકી કાચ ફોડી નાખ્યા હતાં. આ ફરિયાદ આધારે યુનિવર્સીટી પોલીસ મથકના પીઆઇ એચ એન પટેલ અને ટીમે એક સગીર સહિત સાત આરોપીઓની ધરપકડ કરી તમામ આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈ રિક્ધસ્ટ્રકશન કરાવ્યું હતું.
જયારે કાલાવડ રોડ પર આંબેડકરનગરમાં રહેતા અને એજી ચોકમાં હોટલ ધરાવતા ધનાભાઈ ગમારા ઉ.50એ યુનિવર્સીટી પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે શનિવારે રાત્રે તેના પુત્ર રાહુલ સાથે હોટલે હતા ત્યારે ત્રણ અજાણ્યા શખ્સોએ હોટલની પાળી ઉપર બાઇક ચડાવતા તેના પુત્રએ વ્યવસ્થિત બાઇક પાર્ક કરવાનું કહ્યું હતું. જેથી ત્રણેય શખ્સોએ તેના પુત્રને ગાળો ભાંડી, ઝગડો કર્યો હતો થોડીવાર બાદ આરોપી અમન, શાહરૂખ, અરશદ અને પાંચ અજાણ્યા શખ્સો આવ્યા હતા. આવીને બેફામ ગાળો ભાંડી, તેના ઉપર ધોકા અને પાઈપ વડે હુમલો કર્યો હતો. એટલુ જ નહીં ચાના તપેલા, પ્લાસ્ટિકના કેરેટ વગેરે સામાન ઉપાડીને ઘા કરવાનું શરૂ કર્યું હતું. કાઉન્ટરમાં પણ નુકસાન કર્યું હતું. ટોળા ભેગા થતાં જતા રહ્યા હતાં. જેમાંથી શાહરૂખે તેને કહ્યું કે હવેથી ધ્યાન રાખજે, નહીંતર તને અને તારા દીકરાને જાનથી મારી નાખશું. તેવી ધમકી આપી હતી ત્યાં માણસો ભેગા થઇ જતા તમામ નાસી છૂટ્યા હતા આ કેસમાં પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.