મકાનની નીચે ઊભેલા બાઇકસવારનું મોત, બે વ્યક્તિને બચાવી લેવાયા
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.6
વેરાવળ શહેરમાં રવિવારે મોડીરાત્રે ખારવાવાડ વિસ્તારના આઝાદ ચોકમાં મકાન ધરાશાયી થતાં દુર્ઘટના સર્જાઇ હતી. જેના કારણે મકાનના કાટમાળ નીચે દબાઈ જવાથી માતા-પુત્રી સહિત ત્રણ લોકોનાં કરુણ મોત નીપજ્યાં છે. જ્યારે 2 લોકોને બચાવી લેવામાં આવ્યા છે.
- Advertisement -
આ દુર્ઘટના રાત્રે લગભગ 1:30 વાગ્યા આસપાસ બની હતી. નવરાત્રિનો માહોલ હોવાથી મકાન જે શેરીમાં આવેલું હતું ત્યાં લોકોની અવરજવર ચાલુ હતી. અચાનક મકાન ધરાશાયી થતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. મકાન તૂટી પડવાની આ ઘટનામાં એક બાઇકસવાર વ્યક્તિ, જે મકાન નીચે ઊભી હતી તે પણ કાટમાળ હેઠળ દબાઈ ગઈ હતી અને તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ દુર્ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક ફાયર ફાઇટર, પોલીસ, નગરપાલિકાની ટીમ અને ખારવા સમાજના આગેવાનો તેમજ યુવાનોની ટીમો ઘટનાસ્થળે ધસી ગઈ હતી. દુર્ઘટના બનતા મોડી રાત્રે શરૂ થયેલી બચાવ કામગીરી સતત 4 કલાક સુધી ચાલી હતી. સખત મહેનત બાદ કાટમાળ હટાવીને બચાવ ટીમોએ ત્રણ મૃતદેહને બહાર કાઢ્યા હતા, જ્યારે મકાનમાં રહેલી બે વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો. હાલ પોલીસ દ્વારા બેરીકેટિંગ લગાવી બંદોબસ્ત ગોઠવાયો છે. મૃતકોમા દિનેશ પ્રેમજી જુંગી (34 વર્ષ), દેવકીબેન શંકરભાઇ સુયાણી (માતા) ,જશોદાબેન શંકરભાઇ સુયાણી (પુત્રી) આ 3 લોકોના આ કરૂણ દુર્ઘટનામાં મોત નીપજ્યા છે.



