શંખેશ્વર ધામથી માત્ર 27 કિ.મી. દૂર આવેલા ગવાણા ખાતે સેવાનો લાભ મળશે; હિન્દુ અગ્રણી ચમનભાઈ સિંધવના સહયોગથી કાર્યક્રમ યોજાયો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ગવાણા ગામ ખાતે પાર્શ્વનાથ દાદાની અસીમ કૃપાથી ભવ્ય ઉપાશ્રય (ગુરુ ભગવંતો માટેનો ઉતારો) અને દાદાનું દેરાસર આકાર લેવા જઈ રહ્યું છે. આ પવિત્ર ધર્મસ્થાનનું ભૂમિપૂજન ગતરોજ વિજયાદશમીના શુભ દિવસે સંપન્ન થયું હતું.
શંખેશ્વર ધામથી માત્ર 27 કિલોમીટર દૂર આવેલું ગવાણા ગામ પૂજ્ય ગુરુ ભગવંતો, મહારાજ સાહેબો અને સાધ્વી મહારાજ સાહેબોના વિહારનું મુખ્ય સ્થાન રહ્યું છે. આ સ્થાન પર દર વર્ષે 250 થી 300 જેટલા મહારાજ સાહેબોનો ઉતારો રહે છે.
જગવલ્લભ પાર્શ્વનાથ ભાતા ઘર ટ્રસ્ટનો સહયોગ: આ સ્થાન જૈન ધર્મસ્થાન બને તે માટે શ્રી જગવલ્લભ પાર્શ્વનાથ ભાતા ઘર ટ્રસ્ટ, અમદાવાદના ટ્રસ્ટીઓનો અમૂલ્ય સહયોગ પ્રાપ્ત થયો છે. ટ્રસ્ટ વતી ડો. ભૂપેશભાઈ શાહ (હાર્ટ સ્પેશિયાલિસ્ટ, સ્ટર્લિંગ હોસ્પિટલ), શ્રી નિરવભાઈ શાહ, શ્રી રૂષભભાઈ શાહ, શ્રી જીગેશભાઈ ઝવેરી, શ્રી કેતનભાઇ શાહ અને શ્રી નિમેષભાઈ શાહની ટીમ કાર્યરત છે.
આ ભવ્ય આકાર પામવા જઈ રહેલા ઉપાશ્રય અને દેરાસરનું ભૂમિપૂજન ગઈકાલે સંપન્ન થયું હતું. ભૂમિપૂજન કાર્યક્રમ માટે ખાસ ટ્રસ્ટ વતી અમદાવાદથી નિમેષભાઈ શાહ અને ભૌમિનભાઈ શાહની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.
હિન્દુ અગ્રણી અને ઓબીસી મોરચા, સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભારી ચમનભાઈ સિંધવ દ્વારા 2015થી ગુરુ ભગવંતોના ઉતારાની વ્યવસ્થા તેમના નિવાસસ્થાન “રાજ શક્તિ બંગલો” ખાતે કરવામાં આવતી હતી. આ નવું સ્થાન આકાર લેતા ગવાણા ગામના તથા શંખેશ્વર જતા જૈન ભક્તોને સેવાનો વિશેષ લાભ મળશે.
કાર્યક્રમ પૂર્ણ થયા બાદ શ્રી ચમનભાઈ સિંધવ દ્વારા ટ્રસ્ટના અગ્રણીઓ નિમેષભાઈ શાહ તથા ભૌમિનભાઈ શાહનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની વ્યવસ્થા ગવાણાના નગરશેઠ શ્રી મહેન્દ્રભાઈ પારેખ દ્વારા કરવામાં આવી હતી. આ અવસરે ચમનભાઈ સિંધવ, ધનાભાઈ વણોલ, અજાભાઈ ડોડીયા, ગોવિંદભાઈ પઢારીયા, ખેંગારજી ઠાકોર સહિત ગવાણા ગામના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.