મહાનગરપાલિકા દ્વારા પ્રથમ વખત 35 ફૂટના રાવણનું દહન
એલ.ઈ. કોલેજ ગ્રાઉન્ડમાં રામલીલા બાદ સાંજે 7 વાગ્યે રાવણ દહન
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.2
નવરાત્રીના નવલા નોરતાની પૂર્ણાહુતિ સાથે મોરબી જિલ્લામાં આજે, ગુરુવારે, વિજયાદશમીના પર્વની ઉજવણી ભારે ઉત્સાહપૂર્વક કરવામાં આવશે. આસુરી શક્તિ પર દેવી શક્તિના વિજયના પ્રતીક રૂપે ઉજવાતા આ દશેરા પર્વ પર મોરબીમાં અનેક કાર્યક્રમોનું આયોજન થયું છે.
મોરબી મનપા બન્યા બાદ પ્રથમ વખત વિશાળ રાવણ દહન કાર્યક્રમ યોજાશે. તંત્ર દ્વારા મોરબીના સામા કાંઠે આવેલ એલ.ઈ. કોલેજના ગ્રાઉન્ડમાં આ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરાયું છે. કાર્યક્રમમાં અંદાજે 35 ફૂટ ઊંચાઈનો રાવણ તૈયાર કરવામાં આવ્યો છે.
રાવણ દહન પૂર્વે કલાકારો દ્વારા રામલીલા ભજવવામાં આવશે, જેમાં રામાયણના વિવિધ પાત્રો દ્વારા અસત્ય પર સત્યના વિજયની કથા લોકો સુધી પહોંચાડવામાં આવશે. રાત્રે 7 વાગ્યે રાવણ દહન કરવામાં આવશે. તંત્ર દ્વારા સુરક્ષાને લગતી તમામ તૈયારીઓ પૂર્ણ કરાઈ છે અને આગની ઘટનાને ધ્યાને રાખી ફાયર બ્રિગેડ પણ તૈનાત કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત, મોરબીના અવની ચોકડી વિસ્તારમાં આવેલા જય અંબે ગરબી મંડળ દ્વારા પણ રામલીલા અને રાવણ દહનનું આયોજન કરાયું છે, જે રાત્રે 10 વાગ્યે થશે. શહેરના વાડી વિસ્તારમાં પણ સતવારા સમાજના યુવકો દ્વારા રાવણ દહન કાર્યક્રમ યોજાશે.
મોરબી શહેરમાં પણ વિવિધ ઉપનગરોમાં દશેરા ઉત્સવ યોજાશે, જેમાં રવાપર ઉપનગરનો ઉત્સવ પ્રમુખ રેસિડેન્સી, નરસંગ ઉપનગરનો નવયુગ પ્રી-પ્રાઇમરી સ્કૂલ અને ચિત્રકૂટ ઉપનગરનો ઉત્સવ મોટેશ્વર મહાદેવ મંદિર, ભક્તિનગર સર્કલ ખાતે યોજાશે.