‘શ્રી હરિ લીંબુ સોડા’ની કેબિન ચલાવતા પરેશભાઈ અને પિન્ટુભાઈ વિઠલાણીની ઉદારતા તવંગરોને આંટી જાય તેવી
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.1
હિંદુ ધર્મનો સૌથી મોટો તહેવાર નવરાત્રી ચાલી રહ્યો છે, ત્યારે ટંકારા શહેરમાં એક અનોખી માઈ ભક્તિનું ઉદાહરણ જોવા મળી રહ્યું છે. ટંકારા શહેરના મુખ્ય પ્રવેશદ્વારે ’શ્રી હરિ લીંબુ સોડા’ની નાનકડી કેબિન ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા લોહાણા સમાજના બે ભાઈઓ પરેશભાઈ અને પિન્ટુભાઈ વિઠલાણી તેમની ધાર્મિક વૃત્તિ અને ઉદાર હૃદયભાવને કારણે ચર્ચાનું કેન્દ્ર બન્યા છે.
આર્થિક રીતે ખૂબ સક્ષમ ન હોવા છતાં, આ બંને ધર્મ અને પરોપકાર વૃત્તિના ભાઈઓ દર વર્ષે શહેરની ગરબીઓમાં ગરબે રમતી બાળાઓને માતાજીનું સ્વરૂપ માનીને દરેક દીકરીને પ્રસાદ રૂપે લ્હાણી વિતરણ કરી પોતાની અનોખી ભક્તિ પ્રદર્શિત કરે છે. તેમની આ ધાર્મિક લાગણી અને ઉદારતા તવંગર વ્યક્તિઓને આંટી દયે એટલી વિશાળ છે.
વિઠલાણી પરિવાર ટંકારામાં માત્ર એક જ વસે છે. પરાયાનું દુ:ખ-દર્દ જાણવાના સંસ્કાર વારસામાં મળતા, પરેશભાઈ અને પિન્ટુભાઈ પોતાની સીમિત આવકના હિસ્સામાંથી અમુક રકમ ધર્મકાર્યમાં વાપરવાની વૃત્તિ ધરાવે છે. ગજવામાં બે પૈસા બચાવવાને બદલે, તેઓ શહેરના જુદા જુદા વિસ્તારોમાં પહોંચીને ગરબે રમતી દરેક બાળાઓને લ્હાણી રૂપે યથાશક્તિ પ્રસાદ આપી અનોખી માઈ ભક્તિ કરે છે.
સોમવારે રાત્રે તેમણે દયાનંદ ચોકમાં રાજબાઈ ગરબી મંડળ અને દયાનંદ નગર સહિત અનેક સ્થળોએ બાળાઓને સરસ મજાની પ્રસાદ રૂપી લ્હાણી વિતરણ કરી હતી. જ્યારે મંગળવારે વાઘેશ્વરી મંદિરની બાળાઓને લ્હાણી પ્રસાદ અર્પણ કરીને ધર્મભક્તિ ઉજાગર કરી ધન્યતા અનુભવી હતી. આ જુગલબંધી ભાઈઓનું આ કાર્ય હજુ બે દિવસ ચાલુ રાખવાનો સિલસિલો યથાવત છે.
શહેરમાં કોઈપણ જાહેર ધાર્મિક ઉત્સવ કે ધૂન-ભજન-કીર્તનનો પ્રસંગ હોય, માલેતુજાર પહોંચે કે ન પહોંચે, પરંતુ પિન્ટુભાઈ વિઠલાણી પોતાની ધર્મ પ્રત્યેની લાગણીથી ભેટ લખાવવા અચૂક પહોંચી ચૂક્યા હોય છે. પરેશભાઈ અને પિન્ટુભાઈની ધર્મ પ્રત્યેના લગાવ અને લાગણીભર્યા સંસ્કારની સમગ્ર નગરમાં સરાહના થઈ રહી છે.