ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.30
પશ્ચિમી ડાંડીયાની આભડછેટથી દૂર, 150થી વધુ પરિવારો દેશી ઢબે મા ભગવતીની આરાધના કરે છે ટંકારા: સમગ્ર ભારતમાં હિંદુ ધર્મનો સૌથી મોટો તહેવાર, મા ભગવતીની આરાધનાનું પર્વ નવરાત્રી ધામધૂમથી ઉજવાઈ રહ્યું છે. ત્યારે ટંકારામાં પણ આ પર્વની ઉજવણી થઈ રહી છે, જ્યાં પ્રાચીન ગરબા રમવાની પ્રણાલીને જાળવીને ધાર્મિક ક્ષેત્રે આંધળું અનુકરણ ટાળવામાં આવ્યું છે, જે એક સરાહનીય બાબત છે.
- Advertisement -
શહેરના હાઇવે કાંઠે વસેલા આર્યનગર ખાતે છેલ્લા 15 વર્ષથી નાનજીભાઈ મેરજાની હરીઓમ ગરબી દ્વારા આ પરંપરા જાળવવામાં આવી છે. અહીં આજે પણ અર્વાચીન ડાંડીયાની આભડછેટ લાગી નથી. આર્યનગરના પ્રમુખ નાનજીભાઈ મેરજાએ સોસાયટી વિસ્તાર વિસ્તર્યો ત્યારથી જ આ ગરબી મંડળની શરૂઆત કરી હતી અને પ્રાચીન ઢબે જ માતાજીના ગરબા ગવડાવીને રાસ-ગરબા રમવાની શરૂઆત કરાવી હતી. હાલમાં અહીં આર્યનગર ઉપરાંત, હરીઓમ નગર, ધર્મભક્તિ, રાજધાની, ક્રિષ્નાપાર્ક, બાલાજીપાર્ક અને લક્ષ્મીનારાયણ-2 વિસ્તારના લગભગ 150થી વધુ પરિવારોના તમામ સભ્યો એકસાથે મળીને નવરાત્રી દરમિયાન હિંદુ શાસ્ત્રો અને સંસ્કૃતિ જળવાઈ રહે તેની તકેદારી રાખે છે. બાળાઓ, યુવતીઓ અને મહિલાઓ પર્વને છાજે એવા દેશી ઢબે ભક્તિમય દાંડીયારાસ રમે છે. સાર્વજનિક ચોકમાં પ્રમુખ નાનજીભાઈ મેરજા અને ધીરુભાઈ કાસુન્દ્રાની રાહબરી હેઠળ હરીઓમ ગરબી મંડળના યુવાનો અને મિત્રો દ્વારા નિ:સ્વાર્થ ભાવે મંડપ બાંધી, ગરબીનું સ્થાપન કરી તમામ ખેલૈયાઓ માટે રાસ રમવાની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવે છે. નવરાત્રી પૂર્વે બાળાઓ લયબદ્ધ તાલીમ સાથે અર્થસભર ગરબાની થીમ પર ગરબે ઘૂમે છે, જે જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટે છે.
વિજયાદશમી (દશેરા)ના દિવસે મંડળની 47 સભ્ય બાળાઓને લ્હાણી વિતરણ કરવામાં આવે છે અને “કુમકુમ પગલે આગલે વર્ષે પધારશો માતા રાની” ગરબાની થીમ પર ગરબો ગાઈને નવરાત્રી પર્વનું ભાવભેર સમાપન કરવામાં આવે છે.