ખાસ-ખબર ન્યૂઝ મોરબી
વર્તમાન સમયમાં જ્યાં અર્વાચીન રાસોત્સવનું મહત્ત્વ વધ્યું છે, ત્યાં મોરબીમાં કેટલાક વિસ્તારોએ પોતાની પ્રાચીન ગરબીની પરંપરાને આજે પણ જાળવી રાખી છે. આવી જ એક ગરબી મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં યોજવામાં આવે છે. અહીંના આયોજકો દ્વારા બાળાઓને જુદા જુદા રાસની પ્રેક્ટિસ કરાવવામાં આવે છે, જે નવરાત્રી દરમિયાન લોકો સમક્ષ રજૂ કરવામાં આવે છે.
આ ગરબીની વિશિષ્ટતા શનિવારની રાતે જોવા મળી, જ્યારે હાઉસિંગ બોર્ડની ગરબીમાં બાળાઓ દ્વારા અંગારા રાસ રજૂ કરવામાં આવ્યો. બાળાઓએ સળગતા દેવતા (અંગારા) ઉપર, ચોક વચ્ચે, રાસ રજૂ કરીને માતાજીની આરાધના કરી હતી.
આયોજકો દ્વારા આ પ્રકારના એકથી એક ચડિયાતા રાસ રજૂ કરવામાં આવતા હોવાથી, ગરબી જોવા માટે આવેલા લોકોએ સળગતા દેવતા પર રાસ રજૂ કરતી બાળાઓની આરાધના અને તેમના અદ્ભુત રાસને બિરદાવ્યો હતો અને પ્રસન્નતા વ્યક્ત કરી હતી. આ ગરબી મંડળ પ્રાચીન સંસ્કૃતિ અને ભક્તિના પૌરાણિક વારસાને જીવંત રાખવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું
પાડે છે.
- Advertisement -