પોલીસ અધિકારીઓ અને ન્યાયાધીશો પાસેથી કાયદાની અમલવારી અને ન્યાય પ્રક્રિયા અંગે માહિતી મેળવી
ખાસ-ખબર ન્યૂઝ મોરબી
- Advertisement -
મોરબીની જાણીતી નવયુગ લો કોલેજના વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક અને વ્યવહારિક જ્ઞાનના ભાગરૂપે મોરબીમાં આવેલ એ-ડિવિઝન પોલીસ સ્ટેશન અને જિલ્લા ન્યાયાલય (કોર્ટ)ની મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓને પોલીસની કાર્યપ્રણાલી અને કાનૂની વ્યવસ્થા અંગે સંપૂર્ણપણે માહિતગાર કરવાનો હતો.
નવા અનુભવો મેળવવાના ભાગરૂપે, વિદ્યાર્થીઓએ સૌપ્રથમ પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી, જ્યાં તેઓને પોલીસ સ્ટેશનના અલગ-અલગ વિભાગોની કામગીરી, ગુનાઓની તપાસ અને કાયદાની અમલવારીની પદ્ધતિ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી. પોલીસ અધિકારીઓએ કાયદા પ્રણાલી સાથે જોડાયેલા વિવિધ પાસાઓ અંગે વિદ્યાર્થીઓ સાથે વિચારોનું આદાનપ્રદાન કર્યું.
ત્યારબાદ, વિદ્યાર્થીઓ જિલ્લા ન્યાયાલય (કોર્ટ) પહોંચ્યા, જ્યાં તેમણે ન્યાયાધીશો અને કોર્ટ કર્મચારીઓ દ્વારા કાયદાની કાર્યવાહી, કોર્ટમાં થતી કામગીરી અને ન્યાયની ઉપલબ્ધતાઓ અંગે માહિતી મેળવી. ન્યાયાલયના વાતાવરણ અને કાર્યવાહીને પ્રત્યક્ષ જોઈને વિદ્યાર્થીઓને કાયદા બાબતે ઘણી નવી માહિતી જાણવા મળી હતી. આ કાર્યક્રમનું આયોજન નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ પી.ડી. કાંજીયા અને મેનેજિંગ ટ્રસ્ટી બળદેવ સરસાવડીયા સરના માર્ગદર્શન હેઠળ, લો કોલેજના પ્રોફેસર ડિમ્પલ મેમ અને ધ્વનિ મેમ દ્વારા કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ આ પ્રકારની વ્યવહારુ મુલાકાતો સમયાંતરે વધુ વાર કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.