સાંજે વાતાવરણમાં પલટો; ગરબા રસિકોમાં નિરાશા, કપાસ-મગફળીના પાકને નુકસાનની ભીતિ
ખાસ-ખબર ન્યૂઝ હળવદ
- Advertisement -
ગુજરાત હવામાન વિભાગની આગાહી મુજબ હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં આજે વાદળછાયા વાતાવરણ બાદ વરસાદી ઝાપટાં વરસ્યા હતા. નૈઋત્યનું ચોમાસું વિદાય લેવા જઈ રહ્યું છે ત્યારે વરસાદના આ અંતિમ રાઉન્ડથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.
જોકે, નવરાત્રીના મધ્ય ચરણમાં મોડી સાંજે વાતાવરણમાં અચાનક પલટો આવતા ગરબા રસિકો અને આયોજકોમાં નિરાશાનો માહોલ છે. ખુલ્લા મેદાનોમાં યોજાતા ગરબા કાર્યક્રમોને વરસાદને કારણે અસર થવાની શક્યતા છે, જેને પગલે ખેલૈયાઓ અને આયોજકો ચિંતિત જોવા મળી રહ્યા છે. શેરી ગરબાના ખેલૈયાઓ પણ નિરાશ થયા છે, કારણ કે જો વધુ વરસાદ પડશે તો નવરાત્રી બગડી શકે તેમ છે.
બીજી તરફ, અચાનક વરસાદ પડવાથી ખેડૂતોમાં પણ ચિંતા પ્રસરી છે. શિયાળુ પાકની વાવણીની તૈયારીઓ વચ્ચે પડેલા આ વરસાદથી કપાસ અને મગફળી જેવા ઊભા પાકોને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ વરસાદી ઝાપટાં ચાલુ રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. તંત્રએ લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે.