જૂનાગઢના ઉપરકોટ કિલ્લા પર બે વર્ષની સફળતાની ઉજવણી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.29
28 સપ્ટેમ્બર, 2025ના રોજ ઉપરકોટ કિલ્લાના રેસ્ટોરેશનના લોકાર્પણને બે વર્ષ પૂર્ણ થતાં, વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત પ્રવાસન અને પુરાતત્વ વિભાગના સહયોગથી સવાણી હેરિટેજ ક્ધઝર્વેશન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા આયોજિત આ કાર્યક્રમોમાં પ્રવાસીઓ મંત્રમુગ્ધ થઈ ગયા હતા.
- Advertisement -
આ પ્રસંગે પ્રવાસીઓ માટે વિવિધ રમતો, ભેટ-સોગાદો અને સાંસ્કૃતિક પોશાકમાં ગરબાનું આયોજન કરાયું હતું. સૌથી ખાસ આકર્ષણ આર.એમ. ફિલ્મ્સ અને જગપાલભાઈ બારડની ટીમે રજૂ કરેલું લઘુ નાટક હતું, જેમાં કિલ્લાના ભવ્ય ઇતિહાસની ગાથા રજૂ કરવામાં આવી હતી. કંપનીના ટુરિઝમ ડેસ્ટિનેશન હેડ રાજેશ તોતલાણીએ જણાવ્યું કે, અત્યાર સુધીમાં તેઓ 15 લાખથી વધુ પ્રવાસીઓનું સ્વાગત કરી ચૂક્યા છે. તેમણે જણાવ્યું કે પ્રવાસીઓના વખાણ તેમને નવી સુવિધાઓ ઉમેરવા માટે પ્રોત્સાહિત કરે છે. આ ઉજવણીના ભાગરૂપે કિલ્લામાં નવી ગોલ્ફ કાર્ટ, ઇલેક્ટ્રિક સ્કૂટર અને વી.આર. એક્સપિરિયન્સ જેવી સુવિધાઓનો પ્રારંભ કરાયો છે, જેમાં પ્રવાસીઓ સમુદ્રમાં ડૂબેલી દ્વારકા નગરીનો અનુભવ કરી શકે છે. આ સાથે, કંપનીએ ’ગોલ્ડન ટિકિટ’ (કોમ્બો ટિકિટ) પણ લોન્ચ કરી છે. રૂ. 750ની આ કોમ્બો ટિકિટ બે વ્યક્તિ માટે છે, જેમાં ઉપરકોટ કિલ્લો, મહાબ્બત મકબરો, સરદાર ગેટ ગેલેરી અને એન્ટીક કોઈન મ્યુઝિયમનો પ્રવેશ તથા કિલ્લામાં ફરવા માટે ગોલ્ફ કાર્ટનો સમાવેશ થાય છે.