જૂનાગઢ ઝાંઝરડા ચોકડી અગ્નિકાંડમાં ત્રણ નિર્દોષ જિંદગી હોમાઈ હતી
પીડિત પરિવારને સહાય તો ન આપી, RTIનો જવાબ પણ ટાળ્યો
પુત્રી-પત્ની સહિત ત્રણ જીવ ગુમાવ્યા છતાં મનપા સંવેદનાહિન
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.26
જૂનાગઢ નિષ્ઠુર મનપાએ અગ્નિકોડમાં જીવ ગુમાવનારના સ્વજનને એક રૂપિયો પણ સહાય તો ન આપી પરંતુ મનપા પાસેથી મગાયેલી માહિતી આપવામાં પણ મનપા માનવતા ચૂકી જતા રોપ ભભૂક્યો છે. અગ્નિકાંડની ઘટનામાં વ્હાલસોઇ , પુત્રી અને પત્ની ગુમાવનાર પતિ ન્યાય માટે બિચારા બની દર-દર ભટકી રહ્યા છે. મનપા પાસે ગેસ દુર્ઘટનાને લગતી વિવિધ માહિતીઓ માંગી હતી પરંતુ મનપાના અલગ-અલગ શાખાના અધિકારીઓની માનવતા મરી ગઈ હોય તેમ બિચારા બનેલા વ્યક્તિને માહિતી પણ આપતા નથી. ઝાંઝરડા ચોકડી પર મનપાના જેસીબી દ્વારા ખોદકામ દરમ્યાન ગેસની લાઈન તોડી નાખવામાં આવતા દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં ત્રણ વ્યક્તિના મોત થયા હતા અને ત્રણ ગંભીર ઘાયલ થયા હતા. જેના મોત થયા હતા તે માતા-પુત્રી હતા અને એક તેની દુકાનમાં આવેલા ગ્રાહક હતા. 18 વર્ષે આવેલી 3 વર્ષની માસુમ પુત્રી અને પત્નીને ગુમાવ્યા બાદ પતિ શૈલેષભાઈ સોલંકી ન્યાય માટે દર દર ભટકી રહ્યા છે. મનપાના જેસીબીની બેદરકારીના કારણે જીવ ગુમાવવાના કારણે મનપા પાસે તેઓ સહાય માંગી રહ્યા છે. મનપાના પદાધિકારીઓએ સહાય આપવા માટે ઠરાવ કર્યો પરંતુ સહાય ન ચુકવી. હવે તેને કાયદાકીય પ્રક્રિયા માટે મનપા પાસે આરટીઆઈ મુજબ 30-7-2025ના માહિતી માંગી છે જેમાં ગેસ એજન્સી અને મનપા વચ્ચે થયેલા કોન્ટ્રાક્ટ અંગેની નકલ, કોન્ટ્રાક્ટ પહેલા જેટલા પ્રેઝેન્ટેશન, મીટિંગ થઈ હોય તો તેની નકલ, ગેસ લાઈનને સંલગ્ન તમામ પ્રકારના સેફ્ટી અંગેના સરક્યુલર, જે જેસીબીએ અકસ્માત સર્જ્યો તેના કોન્ટ્રાક્ટની નકલ, ડ્રાઈવર અંગેની ગાઈડલાઈન સહિતની રેકર્ડ પરની વિગતો માંગી હતી. આ અંગે 29-8-2025ના મનપાએ શૈલેષભાઈને જવાબ આપ્યો કે, મુદ્દા નં. 1થી 4 બાંધકામ શાખામાં ઉપલબ્ધ ન હોય જેથી માહિતી આપી શકાયુ નહી તેમજ મુદ્દા નં.5થી 7સંદર્ભે હાલ સુધી કોઈ જવાબ મળ્યો નથી, જો આ જવાબથી નારાજ હોય તો અપીલ કરી દેવી તેવો પ્રત્યુત્તર આપી દીધો હતો. આ અંગે શૈલેષભાઈ દાખલ કરી છે. સમગ્ર મામલે શહેરના પ્રબુઘ્ધ નાગરિકોએ આ અંગે કમિશનરને રજુઆત કરી છે કે, આ તમામ રેકર્ડ મનપાની કચેરીમાં ઉપલબ્ધ હોવા છતાં નિયમ મુજબ શા માટે આપવામાં આવતું નથી? જો માનવતા જેવું કંઈ હોય તો પુત્રી અને પત્ની ગુમાવનાર વ્યક્તિને હેરાન કરવા ન જોઈએ, કચેરીના ધક્કા ખાઈ માનસિક યાતના ભોગવતા શૈલેષભાઈને ક્યારે માહિતી મળે તે મહત્વનું છે.
પોલીસ અને મનપાના અધિકારીઓને હાઇકોર્ટની ગંભીર ટકોર
જૂનાગઢ બી ડિવીઝન પોલીસ મથક વિસ્તારમાં જૂનાગઢ મહાનગરપાલિકાના જેસીબી દ્વારા થઇ રહેલા ખોદકામ દરમ્યાન ગેસ પાઇપ લાઇન ફાટતાં લાગેલી ભયંકર આગમાં ત્રણ સ્થાનિકોના ગંભીર રીતે દાઝી જવાથી કરૂણ મોત નીપજયા હતા. આ કેસમાં એક આરોપીએ હાઇકોર્ટમાં કરેલી આગોતરા જામીન અરજીની સુનાવણી દરમ્યાન જસ્ટિસ દિવ્યેશ એ.જોશીએ જૂનાગઢ પોલીસ અને મનપાના ઊંચ સત્તાવાળા અધિકરીઓને જોરદાર રીતે ઉધડો લઇ અને સમગ્ર દુર્ઘટના મામલે હાઇકોર્ટે ગંભીર ટકોર કરી હતી હતી કે, જૂનાગઢમાં ગેસ પાઈપલાઈન ફાટવાથી લાગેલી આગમાં ત્રણ નિર્દોષ નાગિરકોના મોતની ઘટનાના કેસમાં જૂનાગઢ ડીવાયએસપીને તપાસ કરવા નિર્દેશ કર્યો હતો અને જણાવ્યું હતું કે, આ મામલામાં ડીવાયએસપી જાતે તપાસ કરે અને સાચા ગુનેગારોને પકડે, નહીંતર હાઇકોર્ટ તેની રીતે પગલાં લેશે. રાજયમાં ગુનેગારોની કેવી મોર્ડેસ ઓપરેન્ડી હોય છે, તે અદાલતને ખબર હોય છે. વાસ્તવમાં સત્તાવાળાઓ જ એક રીતે ગુનેગારોને ખાતરી આપે છે કે, તેમને કશું નહી થાય.