મનપા દ્વારા અત્યાર સુધીમાં શહેરમાં 68,000 રોપાનું વૃક્ષારોપણ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.26
સ્વચ્છ ભારત મિશનની 11મી વર્ષગાંઠ અને મહાત્મા ગાંધીજીની જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે, જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા “સ્વચ્છતા હી સેવા” અને “એક પેડ માં કે નામ” અભિયાન અંતર્ગત મેગા પ્લાન્ટેશન ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડ્રાઈવમાં 600 રોપાઓનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું.
- Advertisement -
આ કાર્યક્રમ ધોરાજી રોડ ખાતે યોજાયો હતો. આ પ્રસંગે જુનાગઢના મહાનગરપાલિકા કમિશનર તેજસ પરમાર, સ્થાયી સમિતિ ચેરપર્સન પલ્લવીબેન ઠાકર, પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ, નાયબ કમિશનર ડી.જે. જાડેજા તથા જયેશભાઈ પી. વાજા, સેનિ. સુપ્રી. કલ્પેશભાઈ ટોલિયા, પ્રોજેક્ટ ઓફિસર હાજાભાઈ ચુડાસમા, પ્રોજેક્ટ ઓફિસર ગીરાબેન જોશી, સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મહાનગરપાલિકાએ અત્યાર સુધીમાં શહેરમાં કુલ 68,000 રોપાઓનું વૃક્ષારોપણ કર્યું છે. આ વૃક્ષારોપણ કાર્યક્રમનો મુખ્ય હેતુ પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે નાગરિકોમાં જાગૃતિ ફેલાવવાનો છે. આગામી દિવસોમાં પણ મહાનગરપાલિકા દ્વારા નિયત કરેલ ફોર્મ ભરીને શહેરીજનોને વિનામૂલ્યે રોપાઓ આપવામાં આવશે.



