નવરાત્રિ દરમિયાન ગામના યુવાનો ઐતિહાસિક નાટકો ભજવીને ગાયો માટે ભંડોળ એકઠું કરે છે
આ ફાળો 58 વર્ષ જૂની ‘કામધેનુ વિસામો ગૌશાળા’માં રહેતી અંધ, અપંગ અને અશક્ત ગાયોના નિભાવ માટે વપરાય છે
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.25
મોરબી જિલ્લાના લજાઈ ગામમાં ગાયોની સેવા માટે એક અનોખી પરંપરા છેલ્લાં કેટલાંક વર્ષોથી જોવા મળી રહી છે. અહીંના યુવાનો દ્વારા નવરાત્રિ દરમિયાન ઐતિહાસિક નાટકો ભજવીને ગાયો માટે લાખો રૂપિયાનો ફાળો એકત્રિત કરવામાં આવે છે. આ નાટકોમાં ગામના શિક્ષિત યુવાનો, વેપારીઓ અને કારખાનેદારો પણ સંકોચ વગર સ્ત્રીપાત્રો ભજવીને આ ભગીરથ કાર્યમાં સહભાગી થાય છે.
આજના આધુનિક યુગમાં જ્યાં લોકો ટીવી અને મોબાઈલ પાછળ સમય વિતાવે છે, ત્યારે લજાઈ ગામના યુવાનોનો આ પ્રયાસ પ્રશંસનીય છે. આ નાટકો જોવા માટે માત્ર ગામના લોકો જ નહીં, પરંતુ આસપાસના ગામો અને મોરબી શહેરથી પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે. આ નાટકો દ્વારા એકત્રિત થતો ફાળો ગામમાં આવેલી 58 વર્ષ જૂની કામધેનુ વિસામો ગૌશાળામાં રહેતી અંધ, અપંગ અને અશક્ત ગાયોના નિભાવ માટે વપરાય છે. યુવાનોનો અદભુત અભિનય જોઈને લોકો દાનનો વરસાદ વરસાવે છે.
- Advertisement -
ગામના હસમુખભાઈ પટેલે જણાવ્યું કે, આ વર્ષે ’દક્ષ પ્રજાપતિનો યજ્ઞ’ નાટક રજૂ કરવામાં આવ્યું હતું. નાટકમાં કોઈ પણ પાત્ર ભજવવામાં યુવાનો શરમ કે સંકોચ અનુભવતા નથી. સ્ત્રીપાત્ર ભજવનાર કૌશિકભાઈ સેરસીયાએ જણાવ્યું કે તેઓ રાણી અને દાસી જેવા પાત્રો ભજવીને ગૌસેવા કરવામાં ગર્વ અનુભવે છે. ગામના વેપારી મહેશભાઈ અને વિઠ્ઠલભાઈ વામજાએ ઉમેર્યું કે, આ નાટકની લોકપ્રિયતા એટલી છે કે અહીંની દીકરીઓ પણ સાસરેથી ખાસ આ નાટક જોવા આવે છે. આ અનોખા પ્રયાસથી અન્ય ગામો પણ પ્રેરણા લઈને રઝળતી ગાયોની સમસ્યાનું સમાધાન લાવી શકે છે.