દરોડા દરમિયાન ટ્રેકટર અને લોડર સહિત 40 લાખનો મુદ્દામાલ જપ્ત
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.25
સુરેન્દ્રનગર જિલ્લામાં ખનિજ ચોરીનું દૂષણ વધતા હવે તંત્ર સફાળું જાગ્યું હોય તેવો ઘાટ સર્જાયો છે. તાજેતરમાં થાનગઢ મામલતદાર દ્વારા જામવાડી ખાતે ગેરકાયદેસર કોલસા ખનન ઝડપી પાડ્યા બાદ હવે નવાગામમાં પણ માટી ચોરીનું મોટું કૌભાંડ પકડાયું છે.
થાનગઢ મામલતદારની ટીમે નવાગામમાં સ્કૂલની પાછળ ચાલતા ગેરકાયદેસર માટી ખનન પર દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન, તંત્ર દ્વારા માટી ભરેલું એક ટ્રેક્ટર અને એક લોડર સહિત કુલ ₹40 લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
આ કાર્યવાહીથી ખનિજ ચોરી કરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. કોલસા બાદ માટી ચોરીનું રેકેટ ઝડપાતા તંત્ર દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ દરોડાથી સ્પષ્ટ થયું છે કે જિલ્લામાં મોટા પાયે ગેરકાયદેસર ખનિજ ખનન ચાલી રહ્યું છે અને તંત્ર હવે સક્રિય બન્યું છે.