જૂનાગઢમાં આયુર્વેદ દિવસની ભવ્ય ઉજવણી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
જિલ્લા આયુર્વેદ અધિકારીની કચેરી, જૂનાગઢ અને જી.એમ.ઇ.આર.એસ. જનરલ હોસ્પિટલ, જૂનાગઢના સંયુક્ત ઉપક્રમે સેમિનાર હોલ ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની શરૂઆત આયુર્વેદ પ્રવર્તક ભગવાન ધન્વંતરિના પૂજનથી કરવામાં આવી હતી.
- Advertisement -
આ કાર્યક્રમના મુખ્ય અતિથિ ધારાસભ્ય સંજય કોરડીયાએ જણાવ્યું હતું કે, આયુર્વેદ આપણો પ્રાચીન વારસો અને “સ્વદેશી” શાસ્ત્ર છે. હવે યુગને અનુરૂપ આયુર્વેદને વિશ્વફલક પર લઈ જવાના પ્રયત્નો સરકાર દ્વારા હાથ ધરવામાં આવ્યા છે. તેમણે આયુર્વેદ શાખા, જિલ્લા પંચાયત, જૂનાગઢ અને જનરલ હોસ્પિટલની સમગ્ર ટીમને સુંદર આયોજન બદલ અભિનંદન પાઠવ્યા હતા અને લોકોને સુસ્વાસ્થ્ય માટે સતત કામ કરતા રહેવાની અપીલ કરી હતી. આ કાર્યક્રમમાં, હાલમાં ચાલી રહેલા પોષણ માહ અભિયાનમાં આયુષના યોગદાન માટે બાળકોને શિક્ષણ સાથે આરોગ્ય અને આયુર્વેદની સમજ મળે તે હેતુસર “આયુર્વેદ ની એબીસીડી”, “આયુર્વેદ નો ક્ક્કો” અને “30 સુટેવો” વિષયક બેનર પોસ્ટરનું મહાનુભાવોના હસ્તે વિમોચન પણ કરવામાં આવ્યું હતું. મહેમાનોનું સ્વાગત “આયુષ કીટ” આપીને કરવામાં આવ્યું હતું, જેમાં સરળ અને અસરકારક આયુર્વેદિક પદ્ધતિઓને પ્રોત્સાહિત કરવા માટે દિનચર્યામાં ઉપયોગી વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.