કાગડદી ખોડિયાર આશ્રમે જતા વૃદ્ધનું અજાણી કારની ઠોકરે મોત: મવડી ચોકડીએ પખવાડિયા પૂર્વે રિક્ષાની હડફેટે ઘવાયેલા વૃધ્ધે દમ તોડ્યો
હિટ એન્ડ રનની બે ઘટનામાં કુવાડવા અને તાલુકા પોલીસે કરી કાર્યવાહી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં વધુ બે જીવલેણ અકસ્માતમાં બે પરિવારોએ મોભી ગુમાવ્યા છે ગવરીદળ પાસે કારે ઈ-બાઈકને હડફેટે લેતા મોરબી રોડ પર રહેતા વૃદ્ધનુ અને મવડી ચોકડીએ હનુમાનજીના મંદિરે દર્શન કરવા જતા વૃદ્ધનુ રીક્ષાની ઠોકરે મોત થતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે.
- Advertisement -
પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ મોરબી રોડ ઉપર શ્રદ્ધા પાર્કમાં રહેતા ભુપતભાઈ ગોરધનભાઈ તલસાણી ઉ.68 ગઈકાલે તા.19ના રોજ સવારે ઈ-બાઈક લઇ મોરબી રોડ પર જઈ રહ્યા હતા ત્યારે ગવરીદળ ગામ નજીક અજાણ્યા કારચાલકે હડફેટે લેતા ભુપતભાઈ ફંગોળાઈ ગયા હતા તેમને ગંભીર ઇજા થતા તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા અહીં સારવાર દરમિયાન આજે વહેલી સવારે તેમનું મોત નીપજ્યું હતું બનાવની જાણ થતા કુવાડવા રોડ પોલીસ મથકનો સ્ટાફ દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી હતી પોલીસની પ્રાથમિક તપાસમાં ભુપતભાઈ મોરબી રોડ પર કાગદડી ગામે આવેલ ખોડિયાર આશ્રમે નિયમિત જતા હતા ગઈકાલે પણ તેઓ ખોડિયાર આશ્રમે જવા નીકળ્યા હતા ત્યારે પાછળથી અજાણી કારે ભુપતભાઈને અડફેટે લેતા આ અકસ્માત સર્જાયો હતો મૃતક ભુપતભાઈ બે ભાઈ અને એક બહેનમાં મોટા હતા તેમને સંતાનમાં બે દીકરી અને એક દીકરો હોવાનું જાણવા મળ્યું છે જયારે જીવરાજ પાર્કમાં રહેતા દામજીભાઇ મોહનભાઇ ભાલીયા ઉ.75 ગત તા.4/9/25ના રોજ સાંજે મવડી ચોકડી, બાપા સીતારામ ચોક પાસે ચાલીને જતા હતા ત્યારે અજાણ્યા વાહને હડફેટે લેતા માથામાં ગંભીર ઇજા થતા 108 મારફતે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા તપાસ કરતા ઘટનાના સીસીટીવી સામે આવ્યા હતા જેમાં રીક્ષાચાલક ઠોકરે લઇ નાસી ગયો હોવાનું જોવા મળ્યું હતું સારવાર દરમ્યાન આજે વહેલી સવારે દામજીભાઇનું મોત નીપજતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે તાલુકા પોલીસની પ્રાથમિક તપાસમાં દામજીભાઇ નિવૃત જીવન જીવતા હતા તે હનુમાનજીના મંદિરે દર્શન કરવા જતા હતા ત્યારે આ બનાવ બન્યો હતો દામજીભાઇને સંતાનમાં 1 દીકરો અને 2 દીકરી હોવાનું જાણવા મળ્યું છે. બંને અકસ્માત અંગે રાજકોટ સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના એએસઆઇ રામશીભાઈ વરૂ, રાઇટર ધર્મેન્દ્રભાઈ હુદળ, પ્રકાશભાઈ રાઠોડ, ધર્મેન્દ્રભાઈ ચાવડાએ સ્થાનિક પોલીસને જાણ કરી હતી.



