રાજ્યના 40 પોલીસ સ્ટેશનોને શ્રેષ્ઠ કામગીરી બદલ ફર્સ્ટ રેન્ક જાહેર કરાયા, જેમાં સૌરાષ્ટ્રના 12 પોલીસમથકોનો સમાવેશ થયો
હળવદ પોલીસ સ્ટેશનને ફર્સ્ટ રેન્ક મળતા ઇન્ચાર્જ આર.ટી. વ્યાસ અને તેમના સ્ટાફને અભિનંદન પાઠવવામાં આવ્યા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.18
રાજ્યના કુલ 40 પોલીસ સ્ટેશનને તેમની ઉત્કૃષ્ટ કામગીરી બદલ ’ફસ્ર્ટ રેન્ક’ આપવામાં આવ્યો છે. આ રેન્કમાં સૌરાષ્ટ્રના 12 પોલીસ સ્ટેશનનો સમાવેશ થાય છે. આ સન્માનિત પોલીસ સ્ટેશનોમાં રાજકોટ શહેરનું ડી.સી.બી., ભાણવડ, જામજોધપુર, હળવદ, જેતપુર તાલુકા, સુરેન્દ્રનગર, પ્રભાસપાટણ, જૂનાગઢ તાલુકા, કમલાબાગ, ધારી, ગંગાજળિયા અને બોટાદ ટાઉન પોલીસ મથકનો સમાવેશ થાય છે. આ સિસ્ટમનો મુખ્ય હેતુ પોલીસ અને લોકો વચ્ચેનો સંબંધ સુધારવાનો અને પ્રજાલક્ષી કામગીરીને પ્રોત્સાહન આપવાનો છે. આ રેન્ક પોલીસના સારા કામોને બિરદાવે છે અને તેમને વધુ સારી સેવા આપવા માટે પ્રોત્સાહિત કરે છે.
આ વખતે પોલીસ સ્ટેશનોનું રેન્કિંગ ગુનાના આંકડાને બદલે નવા માપદંડો પર આધારિત છે. આમાં નાગરિકોને પોલીસ તરફથી મળેલા લાભો અને સુવિધાઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. અરજીઓનું ઝડપી નિવારણ, ’શી’ ટીમ દ્વારા સિનિયર સિટીઝન સાથેની મુલાકાત, પોલીસ સામેની નહિવત્ ફરિયાદો અને ’ત્રણ વાત તમારી અને ત્રણ વાત અમારી’ જેવા કાર્યક્રમોને ધ્યાનમાં લેવામાં આવ્યા છે. આનાથી પોલીસની કામગીરી વધુ પારદર્શક અને લોકાભિમુખ બની છે. આ રેન્કિંગ સિસ્ટમનો હેતુ પોલીસ સ્ટેશનમાં લોકોના કામ સરળતાથી થાય તે સુનિશ્ચિત કરવાનો છે.
મોરબી જિલ્લા માટે ગર્વની વાત એ છે કે હળવદ પોલીસ સ્ટેશનને ફર્સ્ટ રેન્કમાં સ્થાન મળ્યું છે. હળવદ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ આર.ટી. વ્યાસ અને તેમના સમગ્ર સ્ટાફને આ સિદ્ધિ બદલ શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે. ડીજીપી વિકાસ સહાય દ્વારા તમામ ફર્સ્ટ રેન્ક મેળવનાર પોલીસ સ્ટેશનોના ઈન્ચાર્જને પ્રશંસાપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ સન્માન પોલીસ કર્મચારીઓની મહેનત અને સમર્પણને બિરદાવે છે.