સરકાર ખેડુત વિરોધી માનસિકતા ધરાવતી હોવાનો આક્ષેપ કરી લડતના મંડાણ કરવાની ચિમકી
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.16
ટંકારા તાલુકાના ખેડુતોએ વાવેતર કરી મગફળીનુ ઉત્પાદન કરેલ મગફળી ને સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી કરવા માટે પ્રારંભે નિયત ફોર્મ ભરી તેમા તલાટી ના વાવેતર ના દાખલા જોડી ખેડુતો ને ફોર્મ સબમીટ કરાવવા દોડાવ્યા હતા.ખેડુતો એ નિયત પ્રક્રિયા પૂર્ણ કરી દીધા બાદ સરકારે ટંંકારા ના ખેડુતોને પરેશાન કરવાના ઉદ્દેશ થી નવો ફતવો બહાર પાડી સેટેલાઈટ સર્વે કરવા હુકમ કરતા ખેડુતો ને પરેશાન કરવાની વૃત્તિ છતી થતી હોવાની રાવ સાથે આમ આદમી પાર્ટીએ ખેડુતોને સાથે રાખી સરકારની ખેડુત વિરોધી નિતિ સામે રેલી યોજી મામલતદારને આવેદનપત્ર પાઠવી ફોર્મ માન્ય રાખવા માંગણી કરી હતી. તેમ છતા સરકાર દ્વારા યોગ્ય નિરાકરણ ન થાય તો આપ દ્વારા અંતિમ શ્વાસ સુધી લડત ચલાવી આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી હતી. ટંકારા આમ આદમી પાર્ટીના પ્રમુખ નરોત્તમ ગોસરા, શહેર પ્રમુખ પ્રકાશ દુબરીયા ઉપરાંત, ધર્મેશ કક્કડ, રાજુ રૈયાણી સહિતના અનેક કાર્યકરોએ સોમવારે તાલુકાના ખેડુતોને સાથે રાખીને ટેકાના ભાવે ખરીદી મુદ્દે સરકારે પ્રારંભે તલાટીના વાવેતર ના દાખલા જોડી ખેડુતો ને અરજી કરવા જણાવાયુ હતુ. જે મુજબ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સરકાર દ્વારા નવુ ગતકડુ કાઢી હવે સેટેલાઈટ સર્વે હાથ ધરાયા બાદ ખરીદી કરવાનુ જાહેર કરતા હોબાળો મચ્યો હતો. અને આમ આદમી પાર્ટીએ ખેડુતોને પરેશાન કરવાની ખેડુત વિરોધી માનસિકતા સરકાર ધરાવતી હોવાનુ કહીને સોમવારે સવારે 11 વાગ્યે તાલુકા મથકે લતીપર ચોકડીથી મામલતદાર કચેરી સુધી રેલી ખેડુતોને સાથે રાખીને રેલી યોજી હતી. મામલતદાર કચેરીએ પહોંચી મામલતદાર પી. એન. ગોર ને આવેદનપત્ર પાઠવ્યુ હતુ. આવેદનપત્રમાં જણાવ્યા પ્રમાણે સરકાર દ્વારા સેટેલાઈટ સર્વે નો ફતવો પરત ખેંચી તલાટી ના દાખલા પ્રમાણે કરાયેલ અરજી સ્વિકારી ટેકાના ભાવે મગફળી ની ખરીદી કરે એવી માંગણી દોહરાવી વધુમા, જણાવ્યુ હતુ કે, જો સરકાર આ મુદ્દે ગંભીરતા નહીં દાખવે તો આમ આદમી પાર્ટી આ મામલે અંતિમ શ્વાસ સુધી લડત આપી આવનારા દિવસોમા ઉગ્ર લડત ચલાવી આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી હતી.