રશિયાના નિઝની નોવેગોર્ડમાં 16થી 22 સપ્ટેમ્બર યોજાશે મહોત્સવ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
વિશ્વનો સૌથી મોટો યુવા મહોત્સવ ગણાતો વર્લ્ડ યુથ ફેસ્ટિવલ આ વર્ષે રશિયાના નિઝની નોવેગોર્ડ શહેર ખાતે 16 થી 22 સપ્ટેમ્બર 2025 દરમ્યાન યોજાશે. આ મહોત્સવમાં વિશ્વના 180થી વધુ દેશોના 18 થી 35 વર્ષની વયના આશરે 1000 યુવાનો ભાગ લેશે, જ્યારે રશિયાના 1000 યુવાનો પણ શામિલ થશે. મહોત્સવનો મુખ્ય હેતુ વિશ્વભરના યુવાનોને એક મંચ પર ભેગા કરી સંસ્કૃતિ, અનુભવ અને વિચારોનું આદાન-પ્રદાન કરાવવાનો છે.
- Advertisement -
ભાવનગરના કેવલ પાવરાને સત્તાવાર આમંત્રણ: ગુજરાતના ભાવનગરના યુવા અને મૂળ બોટાદ જિલ્લાના ઢસા ગામના વતની કેવલ કિશોરભાઈ પાવરાને આ મહોત્સવમાં ભારતીય પ્રતિનિધિ તરીકે જોડાવા સત્તાવાર આમંત્રણ મળ્યું છે. હાલ તેઓ લેક્ચરર, ગઙઈ કમિટી સભ્ય (ભારત-રશિયા) તથા એમ્બેસેડર તરીકે ફરજ બજાવી રહ્યા છે. છેલ્લા 12 વર્ષથી તેઓ સામાજિક સેવા, પર્યાવરણ કાર્ય અને આંતરરાષ્ટ્રીય સેવા ક્ષેત્રે ભારત માટે નોંધપાત્ર યોગદાન આપી રહ્યા છે.
સામાજિક અને આંતરરાષ્ટ્રીય સેવા ક્ષેત્રે ઉત્કૃષ્ટ કાર્ય બદલ કેવલ પાવરાને ભારત સરકારે રાષ્ટ્રીય યુવા પુરસ્કારથી સન્માનિત કર્યા છે. તેમની આ સિદ્ધિ માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર ભારત માટે ગૌરવની બાબત ગણાય છે. સમગ્ર રાજ્ય અને દેશ તરફથી તેમને હાર્દિક અભિનંદન પાઠવાયા છે.