દેશો નવીનતા, માળખાગત વિકાસ, નાણાકીય નિયમન અને ડિજિટલ સેવાઓના વેપારના ક્ષેત્રોમાં પારસ્પરિક રોકાણોને આગળ ધપાવશે
ભારત અને ઇઝરાયેલે દ્વિપક્ષીય રોકાણ સંધિ પર સહીસિક્કા કર્યા છે. તેનાથી બંને દેશ વચ્ચેના રોકાણ સંબંધોને વૃદ્ધિ આપવામાં પ્રોત્સાહન મળશે. નાણા મંત્રાલયે સોમવારે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે ભારત અને ઇઝરાયેલ સરકારે નવી દિલ્હીમાં દ્વિપક્ષીય સમજૂતી પર સહીસિક્કા કર્યા. નાણાપ્રધાન નિર્મલા સીતારામન અને તેમના ઇઝરાયેલી સમકક્ષ બેઝેલ સ્મોટ્રિચે તેના પર સહીસિક્કા કર્યા.
- Advertisement -
ઇઝરાયેલના નાણાપ્રધાન બેજલ સ્મોટ્રિચ 8 થી 10 સપ્ટેમ્બરની વચ્ચે ભારતના ત્રણ દિવસના પ્રવાસે આવ્યા છે. તેઓ ભારતના વેપાર પ્રધાન પીયૂષ ગોયલ અને શહેરી અને આવાસપ્રધાન મનોહર લાલ સાથે પણ મુલાકાત કરશે.
તેમના ભારત પ્રવાસનો હેતુ દ્વિપક્ષીય બેઠકોના માધ્યમથી ભારતની સાથે ઇઝરાયેલના આર્થિક અને નાણાકીય સંબંધોને મજબૂત બનાવવાનો તથા દ્વિપક્ષીય રોકાણ સંધિ ઉપરાંત મુક્ત વેપાર કરાર સહિત કેટલીક મુખ્ય સમજૂતીઓ માટે સંયુક્ત આધાર નક્કી કરવાનો છે. બીઆઇટીના લીધે બંને દેશના રોકાણકારોને યોગ્ય સુરક્ષાની ખાતરી મળશે. તે મધ્યસ્થતા દ્વારા વિવાદ ઉકેલવા માટે એક મંચ પૂરો પાડશે.
ઇઝરાયેલે 2000ની સાલથી અત્યાર સુધીમાં 15થી વધુ દેશો સાથે બીઆઇટી કરાર કર્યા છે. તેમા યુએઈ, જાપાન, ફિલિપાઇન્સ, થાઇલેન્ડ અને દક્ષિણ આફ્રિકા સામેલ છે. ભારત અને ઇઝરાયેલ વચ્ચે મજબૂત વ્યૂહાત્મક ભાગીદારી છે. બંને વચ્ચે દર વર્ષે લગભગ ચાર અબજ ડોલરથી વધુનો વેપાર થાય છે. વર્ષ 2000થી 2025 સુધી ઇઝરાયેલમાં ભારતનું રોકાણ 44.3 કરોડ ડોલર હતું. જ્યારે સીધા વિદેશી રોકાણની વાત કરીએ તો ઇઝરાયેલનો ફાળો 33.42 કરોડ ડોલરનો હતો.