ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.5
માણાવદર તાલુકામાં આવેલ વડાલીયા સાયન્સ સ્કૂલ ખાતે 76મા જિલ્લા કક્ષાના વન મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમનું આયોજન સામાજિક વનીકરણ વિભાગ, ગીર સોમનાથ અને જિલ્લા પંચાયત પ્રમુખ હરેશ ઠુમ્મરના અધ્યક્ષતા હેઠળ કરવામાં આવ્યું હતું.કાર્યક્રમના અધ્યક્ષ હરેશ ઠુંમરે જણાવ્યું હતું કે, આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય માત્ર વન વિસ્તારમાં જ વૃક્ષો વાવવાનો નથી, પરંતુ ઘરના આંગણાથી લઈને આસપાસના વિસ્તારો સુધી હરિત આવરણ જાળવવાનો, પર્યાવરણનું જતન કરવાનો, અને ગ્રીન ગુજરાત-ક્લીન ગુજરાત મુવમેન્ટને પ્રોત્સાહન આપવાનો છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે રાજ્ય સરકારના આવા કાર્યક્રમો પાછળ અનેકવિધ કલ્યાણકારી ઉદ્દેશો રહેલા છે. તેમણે ભારતીય સંસ્કૃતિમાં ગાય, પીપળો, તુલસી અને વડલાના પૂજનનું મહત્વ સમજાવ્યું અને લોકોને પોતાના આંગણામાં પીવાના પાણીનો બાઉલ અને બોરસલ્લીનું વૃક્ષ વાવીને પશુ-પંખીઓની સેવા કરવા અપીલ કરી. તથા આમંત્રિત મહેમાનોનું તુલસીના રોપાથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વન વિભાગના કર્મચારીઓ, એનિમલ ટ્રેકર્સ, સખી મંડળો અને નર્સરી વર્કર્સને તેમની ઉત્તમ કામગીરી બદલ પ્રમાણપત્ર અને સહાયના ચેકનું વિતરણ કરવામાં આવ્યું. મહેમાનોએ શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કર્યું અને ત્યારબાદ વૃક્ષ રથ/ઓક્સિજન રથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું, જે લાભાર્થીઓને રોપાનું વિતરણ કરશે. આ કાર્યક્રમમાં ધારાસભ્ય ભગવાનજી કરગઠીયા અને દેવાભાઈ માલમ સહિત અનેક મહાનુભાવો, અધિકારીઓ, શાળાના કર્મચારીઓ, બાળકો અને ગ્રામજનો હાજર રહ્યા હતા.
માણાવદર તાલુકામાં 76માં જિલ્લા કક્ષાના વન મહોત્સવની ઉજવણી કરાઈ
