જન્માષ્ટમીની રજાઓ અને તહેવારોના કારણે હવાઈ મુસાફરી ફરી ધમધમી, આગામી તહેવારોમાં ટ્રાફિક વધવાની શક્યતા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
જૂન માસમાં અમદાવાદમાં બનેલી વિમાન દુર્ઘટના બાદ જુલાઈ માસમાં રાજકોટ એરપોર્ટ પર મુસાફરોની સંખ્યામાં ઘટાડો થયો હતો, પરંતુ ઓગસ્ટ માસમાં જન્માષ્ટમીના તહેવારો અને લાંબી રજાઓના કારણે મુસાફરોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે.
જુલાઈ માસમાં રાજકોટ એરપોર્ટ પરથી કુલ 86,000 મુસાફરોની અવરજવર થઈ હતી, જ્યારે ઓગસ્ટ માસમાં આ આંકડો વધીને 90,000 થયો હતો. આમ, એક જ મહિનામાં 4,000 મુસાફરોનો વધારો નોંધાયો છે, જે દર્શાવે છે કે હવાઈ મુસાફરી પ્રત્યે લોકોનો વિશ્વાસ ફરીથી વધ્યો છે.
ઓગસ્ટ માસ દરમિયાન હિરાસર સ્થિત ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી કુલ 255 ફ્લાઇટનું ઉડ્ડયન થયું હતું અને દરરોજ સરેરાશ 2,900થી વધુ મુસાફરોની અવરજવર થઈ હતી. એર ઇન્ડિયાની સવારની મુંબઈ ફ્લાઇટ શરૂ થવાથી મુસાફરોને વધુ સગવડ મળી છે. હવે મુંબઈ માટે કુલ પાંચ ફ્લાઇટ ઉપલબ્ધ છે, જેનાથી વેપારીઓ અને સામાન્ય મુસાફરો માટે અવરજવર વધુ સરળ બની છે.
એરપોર્ટ સત્તાવાળાઓનો અંદાજ છે કે, આવનારા નવરાત્રિ અને દિવાળીના તહેવારો દરમિયાન એરપોર્ટ પર મુસાફરોનો ધસારો વધુ જોવા મળશે. તહેવારોની વધતી માંગને પહોંચી વળવા માટે એરલાઈન્સ કંપનીઓ દ્વારા વધારાની ફ્લાઇટ શરૂ થવાની પણ શક્યતા છે.