ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
હોકીના જાદુગર મેજર ધ્યાનચંદની જન્મજયંતિ નિમિત્તે દેશભરમાં ઉજવાતા નેશનલ સ્પોર્ટ્સ ડેની પોરબંદરમાં પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા અને જિલ્લા કલેક્ટર એસ. ડી. ધાનાણી સહિત વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓએ વિવિધ રમતોમાં ભાગ લઈને લોકોને રમત-ગમત માટે પ્રોત્સાહિત કર્યા. સરદાર પટેલ સ્પોર્ટ્સ સંકુલ ખાતે વહેલી સવારે આયોજિત આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી બી.બી. ચૌધરી, અધિક નિવાસી કલેક્ટર જે.બી. વદર અને અન્ય અધિકારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. તેમણે રસ્સાખેંચ, બેડમિન્ટન, ટેબલ ટેનિસ, આર્ચરી, માટલા ફોડ, લીંબુ-ચમચી, ગોળા ફેંક, ઊંચી કૂદ, ફૂટબોલ અને ભમરડા જેવી પરંપરાગત રમતો રમી હતી. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય જિલ્લાના નાગરિકોને રમત-ગમત ક્ષેત્રે આગળ આવવા માટે પ્રેરણા આપવાનો હતો. મેજર ધ્યાનચંદની જન્મજયંતિને નેશનલ સ્પોર્ટ્સ ડે તરીકે ઉજવીને પોરબંદર જિલ્લા વહીવટી તંત્રએ યુવાનો સહિત દરેક નાગરિકને શારીરિક પ્રવૃત્તિઓ અને રમત-ગમત તરફ વાળવા માટેનો એક સકારાત્મક સંદેશ આપ્યો છે.