હર ગલી, હર મેદાન, ખેલે સારા હિન્દુસ્તાન: સ્પર્ધામાં વિજેતા ખેલાડીઓને મેડલ આપી સન્માનિત કરાયાં
ખાસ-ખબર ન્યૂઝ ગિર સોમનાથ, તા.30
સમગ્ર રાજ્યની સાથે ગીર સોમનાથ જિલ્લામાં પણ મેજર ધ્યાનચંદની જન્મજયંતી નિમિત્તે “હર ગલી, હર મેદાન, ખેલે સારા હિન્દુસ્તાન” તેમજ “ખેલે ભી, ખીલે ભી” થીમને કેન્દ્રમાં રાખીને ત્રિ-દિવસીય “નેશનલ સ્પોર્ટ્સ ડે”ની ઉજવણી કરવામાં આવી રહી છે. આ રમતોત્સવના પ્રથમ દિવસે ગીર સોમનાથ જિલ્લાના વિવિધ સ્થળોએ ટેબલ-ટેનિસ, હોકી, વોલીબોલ, કેરમ સહિતની ટૂર્નામેન્ટ યોજાઈ હતી.
આગાખાન સ્કૂલ, ચિત્રાવડ ખાતે ધારાસભ્ય શ્રી ભગવાનભાઈ બારડ દ્વારા ટોસ ઉછાળીને હોકીની રમતની શરૂૂઆત કરવામાં આવી હતી. ચિત્રાવડ ખાતે હોકી ઉપરાંત પ્રાંચી કે.કે.મોરી સ્કૂલ ખાતે હેન્ડબોલ, સરખડી ખાતે વોલીબોલ, જિલ્લા સેવા સદન ઈણાજ ખાતે કેરમ અને ટેબલ-ટેનિસ સ્પર્ધા જેવી ઈનડોર ગેમ્સ પણ યોજાઈ હતી. આ સમગ્ર ટૂર્નામેન્ટનું આયોજન રમતગમતના ક્ષેત્રે નવી ઊર્જા અને ઉત્સાહનું સંચાર કરનારૂ બન્યું હતું. અંતે વિવિધ સ્પર્ધામાં પ્રથમ, દ્વિતિય અને તૃતિય ક્રમે વિજેતા ખેલાડીઓને મેડલ આપી સન્માનિત કરાયાં હતાં. ઉલ્લેખનીય છે કે, “નેશનલ સ્પોર્ટ્સ ડે” ના દ્વિતિય દિવસે બેડમિન્ટન, બીચ વોલીબોલ, ચેસ સહિતની રમતોના આયોજનો થકી વધુમાં વધુ લોકો રમતોત્સવની ઉજવણીમાં જોડાશે.