DIG, SP સહિતના અધિકારીઓ મહાનુભાવો ઉપસ્થિતિ રહ્યા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.30
તરણેતર લોકમેળાના અંતિમ દિવસે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ પરિવાર તથા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે ત્રિનેત્રેશ્વર મહાદેવને ધજા ચડાવવામાં આવી હતી. આ તકે રાજકોટ વિભાગ પોલીસ મહાનિરીક્ષક (ડી.આઇ.જી) અશોકકુમાર યાદવ, પોલીસ અધિક્ષક (એસ.પી) પ્રેમસુખ ડેલું, નાયબ પોલીસ અધિક્ષક વિશાલ રબારી સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.
- Advertisement -
તરણેતર આઉટ પોસ્ટથી શરૂ થયેલી આ ધજા યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ધજા યાત્રાના સમગ્ર રૂટ પર રાસમંડળીઓએ રાસની રમઝટ બોલાવી હતી. આંટાડી પાઘડી, રંગબેરંગી કેડિયું સહિતના પરંપરાગત પરિધાનથી સજ્જ રાસ મંડળીના યુવાનોએ લોકોમાં એનેરું આકર્ષણ જમાવ્યું હતું. અનેક લોકો તરણેતર મેળાની ઓળખ સમી મોરલાવાળી છત્રી લઈને પણ આ ધજા યાત્રામાં જોડાયા હતા.
ધજા યાત્રા ત્રિનેત્રેશ્વર મહાદેવ પહોંચતા પોલીસ જવાનોએ પુષ્પવર્ષા દ્વારા સ્નેહભર્યું સ્વાગત કર્યું હતું. મુખ્ય પૂજારીએ શાસ્ત્રોકત વિધિથી ધજાનું પૂજન કરાવ્યું હતું. ત્યારબાદ ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિર પર ધ્વજારોહણ કરાયું હતું. આ ક્ષણે સમગ્ર મંદિર પરિસર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું હતું. મંદિર પરિસરમાં પણ રાસ મંડળીએ રાસની રમઝટ બોલાવી હતી જેમાં પોલીસ પરિવાર પણ જોડાયો હતો.