કાર્તિક મહેતા
જ્યારે અમેરિકન ફાસ્ટ ફૂડનું આઉટલેટ રોમમાં ખુલ્યું, ત્યારે ઇટાલીયન નાગરિકોએ વિરોધ કરીને ‘સ્લો ફૂડ મુવમેન્ટ’નો પાયો નાખ્યો
- Advertisement -
‘બ્લુ ઝોન્સ’ની ડોક્યુમેન્ટરી દર્શાવે છે કે લાંબુ જીવતા લોકો હંમેશા ઘરે રાંધેલું સ્લો ફૂડ ખાતા હતા
લગભગ ચાલીસેક વર્ષ પહેલા પિત્ઝાનું જન્મસ્થળ ગણાતા ઈટાલીના રોમ શહેરમાં એક દર્શનીય સ્થળે હજારો લોકો ઉમટી પડ્યા. સ્પેનિશ સ્ટેપ્સ તરીકે ઓળખાતા આ સ્થળની સુંદરતા શબ્દોમાં વર્ણવી શકાય એવી નથી.. ઠેર ઠેર પ્લાસ્ટિક ફેંકતા અને ધાર્મિક સ્થળોને પણ ઉકરડા સમાન બનાવી દેતા આપણા મહાન દેશના નાગરિકો અને આપણા પોલીસીમેકર્સે યુરોપ પાસેથી બહુ શીખવાનું છે.. ખેર, થયું એવું હતું કે આ સુંદર સ્થળ ઉપર એક જાણીતી ફાસ્ટફૂડ ચેઇને પોતાનું આઉટલેટ ખોલ્યું હતું. આ ફાસ્ટફૂડ રેસ્ટોરાંનો વિરોધ કરવા ત્યાં હજારો લોકો ઉમટી પડેલા.
આ વિરોધ કરવા આવેલા લોકો ઈટાલીના દરેક વર્ગથી આવતા લોકો હતા જે ઈટાલીના સમૃદ્ધ ખાદ્ય વારસાને અમેરિકાના જંક ફૂડ ક્લચરથી અભડાવવા માંગતા નહોતા. અમેરિકામાં જે બેફામ ઔદ્યોગિકરણ થયું એણે ફાસ્ટ ફૂડ ક્લચરને જન્મ આપ્યો. લગભગ 1940-50 પછી અમેરિકામાં ધીમે ધીમે પડીકા/પેકેટમાં મળતા ફાસ્ટફૂડ અને પ્રોસેસ્ડ ફૂડે પગપેસારો કર્યો. આ ફાસ્ટ ફૂડ અને પ્રોસેસ્ડ ફૂડનો જબ્બરદસ્ત પ્રચાર થયો અને પરિણામે અમેરિકનો આ પડીકા છાપ કેમિકલ યુક્ત ભોજન લેવાના આદતી બનવા લાગ્યા.જ્યારથી આ ફાસ્ટ ફૂડ ક્લચર અમેરિકન લોકોના જીવનમાં પ્રવેશ્યું ત્યારબાદ અમેરિકનોમાં હૃદયરોગ, સ્થૂળતા, ડાયાબિટીસ, કેન્સર, ડિપ્રેશન જેવી અનેક બીમારીઓએ ઘેરો ઘાલ્યો.
ઈટાલીયન ભોજનપ્રણાલી એકદમ પોષક અને સમૃદ્ધ રહી છે. આ ભોજન તૈયાર કરવામાં ખુબ શ્રમ લાગે અને વળી સમય પણ એટલો લાગે પરંતુ ધીમી આંચે પાકતી દાળની જેમ આ ભોજન એકદમ સ્વાદિષ્ટ અને પોષક હોય છે. દુનિયાના સહુથી લાંબુ અને નિરોગી જીવતા લોકોમાં ઇટાલિયન લોકોનો સમાવેશ થાય છે. એમના આ તંદુરસ્ત અને દીર્ઘાયુ જીવનનો શ્રેય એમની ભોજન પ્રણાલીને જાય છે. આટલું રિચ ફૂડ ક્લચર ધરાવતા ઇટાલીમાં અમેરિકન ફાસ્ટ ફૂડ ક્લચર પ્રવેશે એ ઇટાલિયન નાગરિકોને સ્વીકાર્ય નહોતું. આથી તેઓ સવિનય વિરોધે ચડ્યા. આ વિરોધ આંદોલને જન્મ આપ્યો “સ્લો ફૂડ મુવમેન્ટ” ને.
- Advertisement -
સ્લો ફૂડ એટલે બહુ સાદી ભાષામાં કહીએ તો ફાસ્ટ ફૂડનું વિરોધી. જેને બનાવતા અને ખાતા સમય લાગે , જેને બનાવતા ઘરના સભ્યોએ ખુબ જહેમત અને પ્રેમ બેય સીંચ્યાં હોય — એ કહેવાય સ્લો ફૂડ.
નેટફ્લિક્સ ઉપર બે ત્રણ વર્ષ પહેલા એક અફલાતૂન ડોક્યુમેન્ટરી આવેલી. એનું નામ હતું : સિક્રેટ ઓફ બ્લુ ઝોન્સ. દુનિયાના એવા પ્રદેશો કે જ્યાં લોકોનું સરેરાશ આયુષ્ય નેવું વર્ષ ઉપર છે એવા પ્રદેશોના લોકોની રહેણી કરણી અને રિવાજોનો અભ્યાસ આ ડોક્યુમેન્ટ્રીમાં કરવામાં આવ્યો. એમા લાંબા આયુષ્ય ને લાગતા ઘણા રહસ્યો છતાં થયા. એમાંથી એક રહસ્ય હતું કે લાંબુ જીવવા વાળા લોકો હમેશા ઘરે રાંધેલુ સ્લો ફૂડ ખાતા હતા.
આજે ડોક્ટર્સ પણ એક અવાજે લોકોને સ્લો ફૂડની ભલામણ કરે છે. પરંતુ ભારતમાં “વિકાસ દોટ” ચાલી રહી છે. . જેમાં લોકોને બધું ફાસ્ટ જોઈએ છે. ઝોમાટો અને સ્વીગીનો કારોબાર કરોડો અને અબજોમાં પહોંચ્યો છે. ફૂડ વ્લોગર્સે પણ લોકો “પેટુ” કે “ખાઉં” બનીને બહારનું ફાસ્ટ ફૂડ ઝાપટ્યા કરે એવો આબાદ સમો બાંધ્યો છે. મુંબઈ અમદાવાદ કે બેન્ગલુરુ તો ઠીક રાજકોટ, ભાવનગર, ઇન્દોર કે નાશિક જેવા નાના નાજુક ટાઉન્સમાં પણ લોકો ભવ ભવના ભુખ્યાની જેમ ફાસ્ટ ફૂડ ઝાપટતાં દખાય છે.
આ અકરાંતિયાપણાના “રૂઝાન” (પરિણામ) પણ આવવાના શરુ થઇ ગયા છે. ભારતના મહાનગરોના લોકો મેદસ્વી અને રોગી બની રહ્યા છે. યુવાનો અને બાળકોને પણ હાર્ટ એટેક આવે તે હવે રોજના સમાચાર બન્યા છે.
આપણા વડવા સવારે ઉઠીને છાપા કે વ્હોટ્સેપમાં ગામની મોકાણ વાંચતા નહોતા… એમને કોઈ સેલ્સ ટાર્ગેટ અચીવ કરીને ઈન્સેન્ટિવ કે પ્રમોશન લેવાની ખંજવાળ નહોતી … એમને લોન ઉપર મોટી ને મોટી ગાડી લઈને ગામમાં છાકો પાડી દેવાનું વળગણ નહોતું…. એમને કબૂતરખાના જેવા ફ્લેટમાં રહીને કે પ્રદુષિત શહેરોમાં રહીને ધર્માંન્ધતા નિભાવવાની નહોતી… એમનો ધર્મ, એમના રિવાજ, એમની સમજ અને એમની ઈચ્છાઓ બહુ મર્યાદિત , માપસર હતા.. એમનું જીવન ધીમું એટલે કે સ્લો હતું. આ કારણે સરેરાશ લોકો મર્યાદિત મેડિકલ ફેસિલિટી હોવા છતાં એંસી નેવું વર્ષ જીવતા અને અનેક સંતાનોના માતાપિતા બની શકતા.
આજે ગામડે ગામડે આઈ વી એફ એટલે કે કૃત્રિમ ગર્ભાધાન કેન્દ્રો ખુલ્યા છે. યુવાનોમાં થાઇરોઇડ , ડાયાબિટીસ અને બીજી અનેક બીમારીઓ જોવા મળે છે. આ પ્રગતિ કહેવાય કે અધોગતિ??
આ સમસ્યાનું સમાધાન સ્લો લાઈફમાં છે. આપણા જૈન શાસ્ત્રો હમેશા અપરિગ્રહ અને ધીરજ શીખવતા આવ્યા છે. આ અપરિગ્રહ અને ધીરજના ગુણોનું આધુનિક સ્વરૂપ એટલે સ્લો લાઈફ. યુરોપ જેવા પ્રગતિશીલ પ્રદેશોમાં આજે સ્લો લાઈફ મુવમેન્ટ ઘણી જ ચલણી બની છે. લંડન , પારી (પેરિસ) જેવા શહેરોમાંથી લોકો આજુબાજુના ગામડામાં રહેવા જતા રહે છે. લન્ડન પેરિસમાં હવે ભારતીયોઓ, પાકિસ્તાનીઓ અને બીજા એશિયન આફ્રિકન લોકો વધવા લાગ્યા છે. કેમકે યુરોપિયનો ફાસ્ટ લાઈફથી ઉબાઈ ગયા છે. એમને આ ફાસ્ટ લાઈફ રૂપી દૈત્યનું બિહામણું અસલ સ્વરૂપ દેખાઈ ગયું છે.
પણ હવે ચેતવાનું ભારત જેવા દેશોએ છે જે રોગોના હબ બની રહ્યા છે. ફાસ્ટ લાઈફ અનેક લોકોનો ભોગ લઇ રહી છે અને આ ફાસ્ટ લાઈફથી થતા મૃત્યુને પણ પાનડેમીક કહીએ તો અતિશયોક્તિ થાય એમ નથી એટલા હદે લોકો ફાસ્ટ લાઇફના રોગોનો ભોગ બની રહ્યા છે. અજમ્પો, નિરાશા, વ્યસન, થાક, ગુનાખોરી અને અનેક રોગો આ ફાસ્ટ લાઈફના બાળકો છે. જ્યાં ફાસ્ટ લાઈફ જાય છે ત્યાં પોતાના આ પન્નોતીછાપ બાળકોને લઈને જાય છે. થાય છે એવું કે લોકો પાસે બધું હોવા છતાં સમય નથી હોતો.. જીવન એક રેટ રેસ બની જાય છે.
ભારતની પ્રતિષ્ઠિત કમ્પનીઓમાં ઉચ્ચ પદે કામ કરતા અનેક લોકોના અકાળ મૃત્યુ થયાના સમાચાર હવે રૂટિન બન્યા છે. એમાંથી ઘણા તો યુવા વયે આપઘાત કરે છે !! વિચારો કેટલી પીડા હશે કે કોઈ યુવાન પોતાનો જીવ દેવા તૈયાર થઇ જાય !!
ઈટાલીના પેલા ફાસ્ટ ફૂડ રેસ્ટોરાંની વાત ઉપર પાછા ફરીએ તો એ જે વિરોધ થયો એનું પરિણામ શું આવ્યું ? શું તે મહાકાય અમેરિકન કમ્પનીએ પોતાનો સ્ટોર બંધ કર્યો ?????
ના…. એ ફાસ્ટફૂડ રેસ્ટોરા ચાલીસ વર્ષે હજી પણ ત્યાં ધમધમે છે !!
પણ આ વિરોધ વંટોળે સ્લો લાઈફના વિચારબીજને જન્મ આપ્યો અને શીખવ્યું પણ ખરું કે ઔધ્યીગિક વિકાસનો દૈત્ય રોકાશે નહિ, એને નાથવા સહુએ અંગત પણે કમર કસવી પડશે.
સમય તો પાકી ગયો છે કે આપણે ફાસ્ટ લાઈફ ત્યજીને સ્લો લાઈફ અપનાવીએ.. જાગ્યા ત્યાર થી સવાર.
ધીમે ધીમે મોબાઈલ, ટીવી, લેપટોપ, ગાડી,સ્કૂટર, ફાસ્ટ ફૂડ, વ્યસનો અને ટોળાશાહી ધમધમાટનો ત્યાગ કરવું અઘરું નથી. પછી જે શાતા મળે એ અમૂલ્ય હશે.