ખાસ-ખબર ન્યૂઝ મોરબી
મોરબીને મહાનગરપાલિકા બનાવ્યા બાદ શહેરમાં ફાયર સેફટી સુવિધાઓ અંગે ચેકિંગ અભિયાન તેજ બનાવાયું છે. આ જ અભિયાન અંતર્ગત જેલ રોડ પર આવેલ ગુરુકૃપા કોમ્પ્લેક્ષ સામે આજે કડક કાર્યવાહી કરવામાં આવી હતી.
ફાયર વિભાગ દ્વારા જણાવ્યા મુજબ, ગુરુકૃપા કોમ્પ્લેક્ષને ફાયર સેફટી સિસ્ટમ સ્થાપિત કરવા માટે અગાઉ ત્રણ વખત નોટિસ આપવામાં આવી હતી. બાદમાં તા. 22ના રોજ કોમ્પ્લેક્ષને સીલ કરવાની અંતિમ નોટિસ આપવામાં આવી હતી. આ નોટિસનો સમયગાળો પૂર્ણ થતા આજે ફાયર વિભાગની ટીમે સ્થળ પર પહોંચી કોમ્પ્લેક્ષ સીલ કરી દીધું હતું. ફાયર વિભાગે જણાવ્યું કે, જ્યાં સુધી કોમ્પ્લેક્ષમાં જરૂરી ફાયર સેફટી સુવિધાઓ ઊભી કરવામાં નહીં આવે ત્યાં સુધી સીલ ચાલુ રહેશે. આ પગલું નાગરિકોની સલામતીને ધ્યાને રાખીને લેવાયું હોવાનું તંત્રએ સ્પષ્ટ કર્યું હતું.