ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.28
ગણેશ મહોત્સવને અનુલક્ષીને જૂનાગઢ મનપા દ્વારા ભક્તોની ધાર્મિક લાગણીઓને ધ્યાનમાં રાખીને ગણેશજીની મૂર્તિઓના વિસર્જન માટે ’અસ્થાયી વિસર્જન કુંડ’ બનાવવામાં આવ્યો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ કુંડનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
આ કુંડ ભવનાથ વિસ્તારમાં આવેલા દુધેશ્વર મંદિર પાસે, વોટર વર્ક્સના સંપ નજીક બનાવવામાં આવ્યો છે. આ કુંડમાં મૃગી કુંડ, નારાયણ ધરો અને દામોદર કુંડ જેવા પવિત્ર જળાશયોના પાણીનો સંગ્રહ કરીને શાસ્ત્રોક્ત વિધિ મુજબ તેનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ શુભ પ્રસંગે મેયર ધર્મેશભાઈ પોંશીયા, કમિશનર તેજસ પરમાર, ડે. મેયર આકાશભાઈ કટારા, સ્થાયી સમિતિ ચેરમેન પલ્લવીબેન ઠાકર, ના. કમિશનર ડી.જે. જાડેજા, દંડક કલ્પેશભાઈ અજવાણી, કોર્પોરેટરો, સાધુ-સંતોમાં સંતશ્રી જગુબાપુ, મહાદેવગીરી બાપુ, કિશનદાસ બાપુ, બ્રહ્માકુમારી સેન્ટરના પ્રતિનિધિઓ તેમજ અન્ય અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
- Advertisement -
મનપા દ્વારા ભાવિકોને પર્યાવરણની સુરક્ષા માટે માટીના (ઈકો-ફ્રેન્ડલી) ગણપતિની મૂર્તિઓનું સ્થાપન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. આ કુંડમાં દર વર્ષે અંદાજે 2000 થી 2500 જેટલી ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન થાય છે. ભક્તોની સુવિધા માટે આ વિસર્જન કુંડ 24 કલાક કાર્યરત રહેશે. મનપાએ શ્રદ્ધાળુઓને વહેતા પાણીને દૂષિત થતું અટકાવવાના આ સહિયારા પ્રયાસમાં સહભાગી થવા અને અસ્થાયી વિસર્જન કુંડનો ઉપયોગ કરવા અપીલ કરી છે.