ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.28
અમદાવાદની એક શાળામાં વિદ્યાર્થીની હત્યાના વિરોધમાં માણાવદર ખાતે સમસ્ત હિન્દુ સમાજ, વિશ્વ હિન્દુ પરિષદ , બજરંગ દળ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, ગૌ સેવકો અને નગરપાલિકા સહિતના વિવિધ સંગઠનો દ્વારા મૌન રેલી કાઢીને માણાવદરના મામલતદારને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું.
20 ઓગસ્ટના રોજ અમદાવાદમાં આવેલ સેવન્થ ડે સ્કૂલમાં ધો. 10માં અભ્યાસ કરતા નયન ગિરિશભાઈ સંતાણી નામના સિંધી સમાજના વિદ્યાર્થીની હત્યા એ જ શાળાના ધો.8માં અભ્યાસ કરતા એક યુવક દ્વારા પેટના ભાગે છરી મારીને કરવામાં આવી હતી. આ ઘટનામાં ઈજાગ્રસ્ત નયન સંતાણી અડધી કલાક સુધી શાળાની લોબીમાં પડ્યો રહ્યો હોવા છતાં કોઈએ મદદ ન કરી તે બાબતને પણ આવેદનપત્રમાં વખોડવામાં આવી હતી. બાંટવા સિંધી સમાજ સહિતના સંગઠનો દ્વારા આ કૃત્ય કરનાર વ્યક્તિને તેની જાતિ, ઉંમર કે ધર્મને ધ્યાનમાં લીધા વગર કડકમાં કડક સજા થવી જોઈએ, પીડિત પરિવારને યોગ્ય ન્યાય મળે અને સમાજમાં દાખલો બેસે તેવા પગલાં સરકાર દ્વારા લેવાય તેવી માંગ સાથે બાંટવાથી માણાવદર સુધી મૌન બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.