એક બાઇકને નુકસાન, કોઈ જાનહાની નહીં
ખાસ-ખબર ન્યૂઝ ગિર સોમનાથ, તા.26
દીવના બુચારવાડા બસ સ્ટેન્ડ નજીક આવેલું એક જર્જરિત મકાન ગઈ કાલે સવારે અચાનક ધરાશાયી થયું. ધીમી ધારે વરસી રહેલા વરસાદના કારણે યુકે રહેતા શખસનું મકાન તૂટી પડ્યું હોવાનું અનુમાન લગાવી શકાય છે. ગત વહેલી સવારે બનેલી આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. મકાન ધડામ દઈને પડતાં આસપાસના લોકો જાગી ગયા હતા. મકાનની નીચે પાર્ક કરેલી એક બાઇકને નુકસાન થયું હતું. મકાનના માલિક બાબુભાઈ લખમણભાઈ હાલ યુકેમાં રહે છે. તેમને આ ઘટનાની જાણ કરવામાં આવી છે. મકાન ગણતરીની મિનિટોમાં જમીનદોસ્ત થઈ ગયું હતું. સ્થાનિક લોકોએ પ્રશાસનને જાણ કરતાં તુરંત જ કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી. રાહદારીઓ અને વાહનચાલકોને મુશ્ર્કેલી ન પડે તે માટે પ્રશાસને સંપૂર્ણ કાટમાળ દૂર કરી દીધો છે.