અમદાવાદ શાળામાં વિદ્યાર્થી હત્યાનો મામલો
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.22
અમદાવાદની સેવન્થ-ડે સ્કૂલમાં સિંધી સમાજના વિદ્યાર્થી નયન યુવી ગીરીશકુમારની હત્યાના વિરોધમાં સિંધુ વેલ્ફેર ફાઉન્ડેશન, જૂનાગઢ કલેકટર દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આવેદનપત્ર પાઠવીને ન્યાયની માંગ કરી છે. આ આવેદનપત્રમાં સંસ્થાએ આ ઘટનાને ’અત્યંત ગંભીર તથા ઉપદ્રવ’ તરીકે વર્ણવી છે, જેણે સમગ્ર સિંધી સમાજમાં શોક અને ચિંતાનું વાતાવરણ ઊભું કર્યું છે.
આવેદનપત્ર મુજબ, ધોરણ 10માં ભણતા નયન યુવીની હત્યા એક મુસ્લિમ સગીર દ્વારા નજીવી બાબતે કરવામાં આવી હતી. આ ઘટનાએ ધાર્મિક શૈક્ષણિક સંસ્થાઓમાં ભણતા વિદ્યાર્થીઓની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. સિંધુ વેલ્ફેર ફાઉન્ડેશને આ ઘટનાને ‘પૂર્વયોજિત અને ભવિષ્યમાં રાજ્યમાં કોઈ પણ સ્કૂલમાં આવો અત્યંત બનાવ ન બને તેવા’ પગલાં લેવાની માંગ કરી છે. તેમજ હત્યારા સગીરને તરત જ કાયદાની રૂએ પુખ્ત ગણીને કેસ ચલાવવામાં આવે.
- Advertisement -
આ કેસમાં ઝડપી ટ્રાયલ કરીને હત્યારાને ફાંસીની સજા મળે, જેથી સમાજમાં દાખલો બેસે. સિંધુ વેલ્ફેર ફાઉન્ડેશને કહ્યું છે કે જો દોષીને કડક સજા નહીં થાય, તો આવા ગુનાઓનું પુનરાવર્તન થવાની શક્યતા વધી જશે. આવેદનપત્રમાં, સંસ્થાએ નયન ગીરીશકુમારના પરિવારે ‘જીવનનો ફુલદીપક’ ગુમાવ્યો હોવાનો ઉલ્લેખ કરીને તેમને ન્યાય અપાવવા માટે મુખ્યમંત્રીને તાત્કાલિક હસ્તક્ષેપ કરવા વિનંતી કરી છે. આ પત્રમાં કિશોર ગોધવાણી, હરેશ ગોધવાણી, ગીરીશ કારાણી, દિલીપ બધીરવાણી સહિત વીએચપી આગેવાનો જોડાઈ રોષ પૂર્ણ આવેદન પત્ર આપ્યું હતું.