કમરતોડ રસ્તા મુદ્દે ભાજપના નેતા નરેન્દ્ર રાઠોડ ભાજપ પક્ષ વિરૂદ્ધ મેદાનમાં આવ્યા
અમે ‘ગાંધી ચિંધ્યા માર્ગે’ માર્ગે ધરણા કરીશું અને કોઈપણ જાનહાની થશે તો જવાબદારી ડીડીઓની રહેશે : નરેન્દ્ર રાઠોડ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ભંગાર થયેલા રોડ રસ્તાથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે અને રજુઆત કરવા છતા તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. શહેરના વિકાસ પામેલા વિસ્તારો અને નવા ડેવલપ થતા વિસ્તારોમાં કમરતોડ રસ્તાથી અકસ્માતનો ખતરો રહેલો હોવા છતાં અને આંદોલન કરવા છતા પણ રસ્તા નહીં બનતા હોવાની ફરિયાદો ઉઠી રહી છે ત્યારે રોડ રસ્તા બાબતે હવે સતાધારી પક્ષના જ નેતા મેદાનમાં આવ્યા છે અને પાટીદાર ચોકથી કણકોટ ગામ સુધીનો રસ્તો અને જસવંતપુર ઉમિયાધામ સુધીનો રસ્તો બનાવવા માંગ કરવામાં આવી છે.
આ અંગે ભાજપ નેતા નરેન્દ્રભાઈ રાઠોડે જણાવ્યું છે કે અમે કણકોટ રહીએ છીએ અને વધુમાં જણાવવાનું કે પાટીદાર ચોકથી ઉમિયાધામ જસવંતપુર ગામ સુધી રસ્તો શ્રી ઉમિયા માતાજીના મંદિરનું ખાતમુહૂર્ત પ્રસંગે આવેલ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આવ્યા ત્યારે તાબડતોબ ડામર રોડ મેટલ પાથરી નવો બનાવવામાં આવ્યો હતો. તે માત્ર 3 મહિનામાં જ તુટી ગયેલ છે, તો આવો ભ્રષ્ટાચાર કરતા જે કોઈ જવાબદાર અધિકારી તથા કોન્ટ્રાકટર એજન્સીને તાત્કાલીક ધોરણે રદ કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે રસ્તાનું કામ કરવામાં આવે. વધુમાં પાટીદાર ચોકથી કણકોટ ગામ સુધી રસ્તો અત્યંત બિસ્માર હાલતમાં છે.
- Advertisement -
આ રસ્તા પર હજારો વાહનોની અવરજવર થતી હોય તો અત્યારે વાહન ચાલકોને પાણી ભરાયેલ હોય ખાડા ખુબ મોટા હોય, તો વાહન ચાલકોની આ હાલાકી તાત્કાલીક ધોરણે આ રોડનું કામ કરી દૂર કરવામાં આવે, નહીંતર મજબુરીએ ’ગાંધી ચિંધ્યા માર્ગે’ મારે તથા મારા ટેકેદારો સાથે આંદોલન તેમજ ધરણા કરવાની ફરજ પડશે. આંદોલન દરમિયાન કોઈપણ જાનહાની, કોઈપણ પ્રકારનું નુકશાન થાય તો તેની તમામ જવાબદારી રાજકોટ જિલ્લા વિકાસ અધિકારીની રહેશે. તો આપને વિનંતી છે છે આ મુશ્કેલી તાત્કાલીક ધોરણે દુર કરવી. લોકહિત ધ્યાને લઈ તાત્કાલીક ધોરણે આ કામ કરવામાં નહિં આવે તો હું લોકસેવક ભારતીય જનતા પાર્ટીમાંથી હું રાજીનામું ધરવા તૈયાર છું. અને કોર્ટમાં પણ જરૂર પડે અમે જઇશું તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.



