સરસ્વતી નદીનાં કિનારે આવેલા પ્રદેશોમાં આજે પણ પુરાણકાળની યજ્ઞવેદીનાં અવશેષો જોવા મળે છે
મોડર્ન ધર્મ
-પરખ ભટ્ટ
-પરખ ભટ્ટ
સરસ્વતી નદીનાં જળ સૂકાઈ જવાને લીધે ત્યાં વસવાટ ધરાવનારી પ્રજાએ પોતપોતાની અનુકૂળતા અનુસાર પૂર્વ અને દક્ષિણ દિશાનાં પ્રદેશોમાં જઈને વસવાટ કરવાનું મુનાસિબ માન્યું. પૂર્વમાં ગંગા અને દક્ષિણમાં ગોદાવરીનાં કિનારે પોતાનાં ઘર બનાવીને તેમણે નવું જનજીવન શરૂ કર્યુ. આજે પણ સરસ્વતી બ્રાહ્મણ લોકો ક્ધયાકુમારીથી કાશ્મીર અન કચ્છથી બંગાળ સુધી વિસ્તરેલા છે. આ કારણોસર, હડપ્પીયન સંસ્કૃતિનો સૂરજ ધીરે-ધીરે આથમી ગયો. ગંગાનાં પૂર્વીય વિસ્તારોમાં તેમનાં વસવાટ વધવા લાગ્યા. ઋગ્વેદમાં ગંગાનું વર્ણન ફક્ત બે વાર, જ્યારે સરસ્વતીનું કુલ 60 વખત થયું હોવા પાછળનું કારણ એ જ છે કે સૌથી પ્રાચીન વેદોમાંના પ્રથમ એવા ઋગ્વેદનાં નિર્માણ સમયે (3000 વર્ષ ઇસુ પૂર્વે) સરસ્વતી પૂરજોશમાં વહી રહી હતી. એનાં કિનારે બેસીને અનેક ધર્મગ્રંથો લખાયા છે. બીજી બાજુ, ઉપનિષદોમાં ગંગાનું વર્ણન વારંવાર થયું છે પરંતુ સરસ્વતીનું એકેય વખત નહીં! સરસ્વતી નદીનાં કિનારે આવેલા પ્રદેશો (જેમકે રાજસ્થાનનું કાલીબંગન)માં આજે પણ પુરાણકાળની યજ્ઞવેદીનાં અવશેષો જોવા મળે છે.
સંશોધકો તો એવું પણ કહે છે કે, ગંગા અને યમુનાનાં ઉદભવસ્થાનથી ફક્ત પાંચ કિલોમીટરનાં અંતરે આવેલા યમધરની શિલામાંથી સરસ્વતી નદી વહેતી હતી. ત્યાંથી શરૂ કરીને ઉત્તરાંચલ, હરિયાણા, હનુમાનગઢ, સુરતગઢ અને રાજસ્થાનનાં અનુપગઢ તરફ આગળ વધતી જતી. દક્ષિણ રાજસ્થાનનાં અમુક વિસ્તારો, પાકિસ્તાનની સીમા પાસે આવેલા કેટલાક સ્થળો, કચ્છ અને અંતે ખંભાતનાં અખાતમાં સરસ્વતી નદીનાં વહેણનું મિલન થઈ જતું હતું. હાલનાં સમયમાં પવિત્ર ગંગાની સૌથી વિશાળ શાખા નદી તરીકે ઓળખાતી યમુના પણ પહેલાનાં સમયમાં સરસ્વતી નદીનો બહુ જ મોટો હિસ્સો હતી.
- Advertisement -
મહાભારત કાળનાં થોડા સમય પહેલા ભૂકંપ, વાતાવરણમાં ધરખમ બદલાવ અને ટેક્ટોનિક મુવમેન્ટને લીધે સરસ્વતી નદીનું અસ્તિત્વ ફક્ત અમુક શાખાઓ પૂરતું સીમિત રહી ગયું. અંતે, રાજસ્થાનમાં ધીરે ધીરે સરસ્વતી નામશેષ થવા માંડી. ત્યાંની પ્રજા સરસ્વતી પર એટલી હદ્દે નિર્ભર કરતી હતી કે નદીનાં સૂકાઈ જવા પર મજબૂરીમાં તેમણે ઉત્તર, પૂર્વ અને દક્ષિણ ભારતવર્ષ તરફ સ્થળાંતર કરી જવું પડ્યું. એ પછીનાં સમયમાં ગોદાવરી, કાવેરી, કૃષ્ણા અને ગંગા નદીનાં જળ તેમનાં માટે જીવાદોરી બન્યા. 4.5 અબજનાં પૃથ્વીનાં ભૂતકાળમાં લીલોતરા રાજસ્થાનનાં રણપ્રદેશમાં તબદીલ થવાની ઘટનાનો પણ સમાવેશ થઈ ગયો. કેટલીય પ્રજાતિઓનું નામોનિશાન મટી ગયું. ભારતને આઝાદી મળી અને દેશનાં ભાગલા થયા એ પછી સરસ્વતી નદી પર ઉંડાણપૂર્વક સંશોધનો શરૂ થયા.
2500 કરતાં પણ વધુ હડપ્પીયન સંસ્કૃતિનાં અવશેષોને પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાંથી ખોદકામ કરીને શોધી લેવામાં આવ્યા. ત્રીજા ભાગનાં અવશેષો પાકિસ્તાનમાં આવેલી ઇન્ડો-પાક બોર્ડર પાસે મળ્યા. ગુનેરીવાલા (પાકિસ્તાન), રોપર (પંજાબ), બનાવલી-રાખીગઢી (હરિયાણા), મંદા (જમ્મુ-કશ્મીર), કાલીબંગન (રાજસ્થાન), અલમગિરપુર (મેરૂત), લોથલ-ધોળાવીરા-સુર્કતડા (ગુજરાત) અને દૈમાબાદ (મહારાષ્ટ્ર)માં આમાંની કેટલીક અત્યંત મહત્વની સાઇટ્સ આવેલી છે. આ તમામ સ્થળોને નકશામાં મૂકીએ તો સમજાય કે, ઘાગર નદીનાં સૂકાઈ ગયેલા વહેણ પર તેમની મૌજૂદગી છે. જોગાનુજોગ, મોટાભાગનાં સ્થળો સિંધુખીણ સંસ્કૃતિનાં ભગ્નાવશેષો પાસે પણ મળી આવ્યા હોવાથી તેમને એ સંસ્કૃતિનો પણ ભાગ ગણી લેવામાં આવ્યા છે. પુરાતત્વશાસ્ત્રીઓએ ખોદકામ બાદ મેળવેલા પુરાવાઓ એ વાતની ખાતરી પૂરાવે છે કે ત્યાં વસવાટ કરી ચૂકેલી પ્રજા ખેતી, પ્રાણી જતન, ઘડામણ, કુંભારકામ, સોનુ-ચાંદી-હીરા ખોળી કાઢીને એમને યોગ્ય આકાર આપવા જેવા કામોમાં તે ખૂબ પાવરધી હતી. વેપાર, લોકતંત્ર અને સમૃદ્ધિનાં મૂળિયા પર ઉભી થયેલી સર્વપ્રથમ સંસ્કૃતિઓમાં મોહેં-જો-દારો અને લોથલ સંસ્કૃતિનો સમાવેશ કરી શકાય. ઇજિપ્ત અને મેસોપોટેમિયમ સંસ્કૃતિઓની માફક આ સંસ્કૃતિઓનો અન્ય કોઇ પ્રજા સાથે સંઘર્ષ થયો હોય એવું હજુ સુધી ધ્યાનમાં નથી આવ્યું. યુદ્ધ અથવા ચઢાઈનાં કોઇ પુરાવાઓ અહીં મળ્યા નથી. ‘ગ્લોબલ હેરિટેજ ફંડ’નાં ડિરેક્ટર શ્રીમતી કલ્પના દેસાઈ (અમેરિકા)એ પોતાનાં એક ઇન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે, વિકાસ અને શાંતિનાં પાયા પર ઉભી થયેલી એ સંસ્કૃતિએ પુષ્કળ વૈશ્વિક સંશોધકોને ભારત આવવા માટે આકર્ષિત કર્યા છે.
- Advertisement -
તદુપરાંત, સિંધુ-સરસ્વતી નદીને કિનારે વસેલી પ્રજા ખૂબ સર્જનાત્મક, એન્ટરપ્રિન્યોરશીપ, ડ્રેનેજ, વોટર મેનેજમેન્ટ, ટેક્નોલોજી બાબતે ઘણી જ આગળ પડતી હતી. બહુમૂલ્ય દાગીના ઘડવામાં તેમજ કિંમતી હીરા કાપવામાં પણ તેમની ફાવટ હતી. નદી-દરિયાને કિનારે મોટા મોટા બંદરો તથા રહેવાસી માટે વિશાળ ઘર ઉભા કરવાની બાબતે તેઓ નિપુણ હતાં. ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જ્યાં વાત આવે ત્યાં આજનાં આધુનિક વિજ્ઞાને પણ હથિયાર હેઠા મૂકી દેવા પડે એવી હાલત! હડપ્પીયન સાઇટ્સ પરથી મળી આવેલા કેટલાક સિક્કાઓ, વસ્તુઓ અને બાંધકામોનું વર્ણન કેટલાય વેદ-પુરાણોમાં મળી આવ્યું છે. પુરાતત્વશાસ્ત્રીઓએ કરેલા સંશોધનો અને સેટેલાઇટ ફોટો-ઇમેજ પરથી એટલું તો નક્કી કરી જ શકાયું કે સરસ્વતી સંસ્કૃતિ દસ લાખ ચોરસ કિલોમીટર જેટલા વિસ્તારમાં પથરાયેલી હોવી જોઇએ. સ્વાભાવિક છે, એ સમયની સૌથી મોટી સંસ્કૃતિઓમાં એને પ્રથમ હરોળમાં મૂકવી જ પડે. પશ્ચિમી ભારતનાં લોકોનાં કહેવા અનુસાર, સરસ્વતીને પહેલા હરખૈતી અથવા હરવૈતીને નામે ઓળખવામાં આવતી હતી. સંસ્કૃતવિદ્દો હજુય અસમંજસમાં છે કે આ નામ બદલવા પાછળ આર્યન પ્રજા જવાબદાર છે કે પછી આ બધું પશ્ચિમી ભારતીયોનાં મનની ઉપજ છે!?
આટલા વર્ષોની અંદર સરસ્વતી નદી પર પુષ્કળ સંશોધનો થયા. જેમાં સૌથી મોટો ફાળો રહ્યો, ધ વેદિક સરસ્વતી નદી શોધ પ્રતિષ્ઠાનનો! સ્પેસ રીસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો), ભાભા એટોમિક રીસર્ચ સેન્ટર (બાર્ક) અને રીજિયોનલ રીમોટ સેન્સિંગ સર્વિસીસ સેન્ટર (RRSSC) જેવી પ્રમુખ ભારતીય વિજ્ઞાન સંસ્થાઓએ આ સંશોધનમાં પોતાનું બહુમૂલ્ય યોગદાન આપ્યું. પરિણામસ્વરૂપ, સરસ્વતી નદી વિશેનાં ઘણા ખુલાસાઓ ધીરે ધીરે આપણી સમક્ષ કરવામાં આવ્યા. આ પ્રોજેક્ટ શરૂ થયો એ સમયે સંસ્થાઓનાં ચેરપર્સન ડો.કસ્તુરી અને ડિરેક્ટર ડો.જે.આર.શર્મા અત્યંત ઉત્સાહિત હતાં. તેમણે સરસ્વતી નદીનાં સંશોધનોમાં ઉંડો રસ દાખવ્યો.
RRSSC દ્વારા સૂકાઈ ગયેલી સરસ્વતી નદીનાં વહેણ પર અભ્યાસ હાથ ધરવામાં આવ્યો. તેમણે સેટેલાઇટની મદદ વડે હિમાલયથી માંડીને કચ્છનાં રણ સુધીનો આખો એક પટ્ટો શોધી કાઢ્યો, જેનાં પર આજથી હજારો વર્ષ પહેલા ખળખળ વહેતી સરસ્વતીનું અસ્તિત્વ હતું. 11 ,એ 1998નાં રોજ થયેલા પોખરણ ન્યુક્લિયર ધમાકા બાદ તુરંત જ બાર્ક (ઇઅછઈ) દ્વારા પોખરણની આજુબાજુનાં 200 કિલોમીટરની વિસ્તારની ત્રિજ્યામાં આવેલા પાણીનાં સ્ત્રોતોનાં કુલ 1000 નમૂનાઓ લઈ એનાં પર પરીક્ષણ ચાલુ કર્યુ. પ્રયોગનાં પરિણામોને ‘કરન્ટ સાયન્સ’માં પ્રકાશિત કરવામાં આવ્યા, જેમાં એ વાતનો ખુલાસો થયો કે પોખરણની ધરતીમાં રહેલા પાણીમાં કોઇ પ્રકારનું રેડિયેશન જોવા નથી મળ્યું. સામાન્યત: એવું બનતું હોય છે કે, હાઇડ્રોજન બોમ્બ અથવા અન્ય કોઇ અણુધમાકા સમયે ખૂબ મોટા પ્રમાણમાં ટ્રિટિયમ વાતાવરણમાં ભળતું હોય છે. એથી તદ્દન વિપરીત એવી આ પરિસ્થિતિમાં, પોખરણની ધરતીનાં ભૂગર્ભમાંથી લેવામાં આવેલા નમૂનાઓમાં નહીવત માત્રામાં ટ્રિટિયમનું પ્રમાણ જોવા મળ્યું. ઇઅછઈ દ્વારા વળી આ જ વિષય પર એક નવો ધડાકો કરવામાં આવ્યો. પહેલું તો એ કે, પોખરણની ધરતીમાંથી ટેસ્ટિંગ માટે મેળવેલ પાણી અત્યંત મીઠું, સિંચાઈ-ખેતીવાડી તેમજ પીવા માટે ઉપયોગમાં આવી શકે એવું છે. બીજું, હિમાલયનાં શિખરોમાંથી વહેતાં પાણી સાથે આ આશ્ચર્યજનક રીતે મેચ થાય છે! ત્રીજું, આ પાણી 9000 થી 15000 વર્ષો જૂનું હોવું જોઇએ. અને છેલ્લું એ કે, પોખરણનાં એવા રણ-વિસ્તારોમાંથી આ પાણીનો નમૂનો લેવામાં આવ્યો છે જ્યાં આખા વર્ષ દરમિયાન ખૂબ ઓછો વરસાદ પડે છે. પોતાનાં રીસર્ચ-પેપરને આધારે ઇઅછઈ દ્વારા ઇસરોને સરસ્વતી નદીનાં મળી આવવા અંગે સૂચના આપી દેવાઈ.
ઇન્ડિયન સ્પેસ રીસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો), ભાભા એટોમિક રીસર્ચ સેન્ટર (બાર્ક) અને આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા (એ.એસ.આઈ.)નાં સંયુક્ત પ્રયાસો જાણે રંગ લાવ્યા હોય એમ સરસ્વતી નદીને કિનારે આવેલી લગભગ 2000 પુરાતત્વીય જગ્યાઓ શોધી કાઢવામાં આવી. એમાંની કેટલીક સાઇટ્સ પર ડ્રીલિંગ (ખોદકામ) કરવામાં આવ્યું. જેનાં માટે જાપાનથી ખાસ પ્રકારની તકનિક ધરાવતાં સાધનો મંગાવવામાં આવ્યા. ઉપગ્રહો દ્વારા પૂરી પાડવામાં આવેલી વિગતો અનુસાર, અક્ષાંક્ષ અને રેખાંશને ધ્યાનમાં રાખીને ખોદકામ આગળ વધારવામાં આવે તેની તકેદારી રખાઈ. 30 થી 60 મીટરનાં ઉંડાણમાં તેમને કૂવા મળી આવ્યા, જેમાં ભરપૂર પાણી હતું.
ઇસરોનાં જોધપુર ખાતે આવેલા રીમોટ સેન્સિંગ સર્વિસ સેન્ટરનાં વડા શ્રી જે.આર.શર્માએ શોધખોળ દરમિયાન સ્ટેટમેન્ટ આપ્યું હતું કે, નવા ઉપકરણો અને સ્પેસ-બેઝ્ડ સેન્સર્સને લીધે સરસ્વતી નદી વિશે જાણી શકવું આટલું સરળ બન્યું છે. એ અને એમનાં સાથી મિત્રો એ.કે.ગુપ્તા તથા જી.શ્રીનિવાસન દ્વારા ત્રણ અલગ-અલગ ઉપગ્રહનાં સેન્સરની મદદ લેવામાં આવી. જેથી સરસ્વતી નદીનો વાસ્તવિક પ્રવાહ કઈ દિશામાં વહેતો હતો તેનાં વિશે માહિતી પ્રાપ્ત થઈ શકે.
રીમોટ સેન્સિંગ સર્વિસીસ સેન્ટરનાં વડા ડો. જગદીશ શર્માએ સેટેલાઇટ ફોટોગ્રાફ્સ પરથી તારણ કાઢ્યું કે હજારો વર્ષ પહેલા થયેલા ભયાનક ભૂકંપ (અથવા કોઇ મોટી કુદરતી આફત) અને ટેક્ટોનિક એક્ટિવિટીનાં લીધે સરસ્વતી નદીની શાખાઓનાં પ્રવાહ બદલાયા હોવા જોઇએ. જેનાં લીધે ક્રમશ: તેનું પાણી ઘટતું જઈને અંતે નામશેષ થઈ ગયું. સૂકાયેલી સરસ્વતી નદીનાં કિનારે-કિનારે પુરાતત્વશાસ્ત્રીઓને પુષ્કળ એન્ટિક ચીજો (પિત્તળયુગમાં ઉપયોગમાં લેવાતાં સીલ, મૂર્તિઓ, દાગીના, ઇમારતો) મળી આવી. તદુપરાંત, એ જમાનાનાં લોકો મુખ્યત્વે કયા પ્રકારનો વ્યવસાય કરતાં હતાં એ અંગે પણ માહિતી પ્રાપ્ત થઈ. સદીઓ પહેલાનાં ખેતીકામ, ગોરપદું (કર્મકાંડ), વેપાર, કલાને લગતાં વ્યવસાયો વિશે તેઓને ખાસ્સું જાણવા મળ્યું. સંસ્કૃત ભાષામાં લખાયેલા કેટલાક સીલ મળી આવ્યા, જેનાં પરથી પૂરવાર થયું કે એ સમયની ઉચ્ચ શિક્ષણ ધરાવતી પ્રજા, સંસ્કૃત ભાષાનો પ્રયોગ પોતાની રોજબરોજની જિંદગીમાં કરતી. એવું પણ બન્યું કે પોતાનાં સાંસ્કૃતિક વારસાની અપૂરતી સમજને લીધે આવા સ્થળો પરથી મળી આવેલા અમૂલ્ય પુરાવાઓ (ધરોહર) સ્થાનિક લોકો દ્વારા ચોરીને બજારમાં ઉંચા ભાવે વેચી દેવામાં આવ્યા.
હિમાલય પર ગહન સંશોધન કરી ચૂકેલા ઇકોલોજિસ્ટ પ્રોફેસર કે.એસ.વાલ્દિયાનાં પુસ્તક ‘સરસ્વતી : ધ રિવર ધેટ ડિસઅપિયર્ડ’માં સરસ્વતી નદીનાં અસ્તિત્વ અંગેનાં ઘણા વૈજ્ઞાનિક પુરાવાઓ આપવામાં આવ્યા છે. મે, 2004ની સાલમાં હિમાલયનાં મધ્યભાગમાંથી આર્કિયોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાનાં પુરાતત્વશાસ્ત્રીઓને કેટકેટલી અમૂલ્ય ચીજો મળી આવી. પાકિસ્તાનનાં નૌશારોમાંથી સોનેરી-પીળા રંગનાં ઘરેણા, કાળા વાળ અને સેંથામાં સિંદૂર ધરાવતી બે સ્ત્રીઓની મૂર્તિ મળી આવી. કાલીબંગનનાં હડપ્પા અને ટેરાકોટ્ટા સંશોધનનાં વિસ્તારોમાં વિવિધ આકાર-કદનાં શિવલિંગ પણ મળી આવ્યા! 6500 ઇસૂપૂર્વે ઉપયોગમાં લેવાતી શંખ બેંગલ (હાથમાં પહેરવાની બંગડી) પણ પાકિસ્તાનનાં નૌશારોમાંથી જ પ્રાપ્ત થઈ. દક્ષિણ બંગાળમાં આજે પણ દર વર્ષે 1 કરોડ ડોલરનો શંખ બેંગલનો વેપાર થાય છે. દરેક બંગાળી લગ્નો અને ભગવાન વિષ્ણુ તેમજ કૃષ્ણની પૂજામાં તેનો ખાસ્સો ઉપયોગ છે. અન્ય કેટલાક આર્ટિફેક્ટ (પૌરાણિક ચીજવસ્તુઓ) અજાણી ભાષામાં મળી આવ્યા, જે મ્લેચ્છા ભાષામાં હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. ડો. કલ્યાણરામણે મ્લેચ્છા ભાષા વિશે જણાવ્યું હતું કે તેનો ઉપયોગ મહાભારતમાં લાક્ષાગૃહનાં પ્રસંગ વખતે યુધિષ્ઠિર અને વિદૂર વચ્ચે વાતચીત દરમિયાન કરવામાં આવ્યો હતો. સંસ્કૃતને ઇન્ડો-યુરોપિયન ભાષામાં ખપાવનાર લોકો અહીં ખોટા પૂરવાર થયા.
હિમાલયનાં હિમક્ષેત્રનાં પ્રખર અભ્યાસુ ડો. વિજય મોહન પુરીએ સરસ્વતી નદીનું ઉદભવસ્થાન પણ ખોળી કાઢ્યું. કુરૂક્ષેત્રથી ઉત્તરે આવેલા રુપીન-સુપીન હિમક્ષેત્રોમાં શિવાલિક પર્વતમાળાઓમાં જોવા મળેલી ટેક્ટોનિક મુવમેન્ટને લીધે, સરસ્વતી નદીની પ્રમુખ શાખા નદી યમુનાનો પ્રવાહ પૂર્વ તરફ ફંટાઈને પ્રયાગરાજમાં ગંગા નદી સાથે સંગમ રચવા માંડ્યો. આથી અંતે એ નિષ્કર્ષ પર પહોંચ્યા કે સરસ્વતી નદી સ્વર્ગારોહિણી હિમક્ષેત્રમાંથી પસાર થતી હતી. આજની તારીખે પણ તે બાર્મર, રાજસ્થાન સુધી પહોંચી છે. આગામી અમુક વર્ષોમાં તેનો વધ્યો-ઘટ્યો પ્રવાહ કચ્છનાં રણ સુધી પહોંચી જશે.
ડો. એસ.કલ્યાણરામનને આ સંશોધનમાં એટલો બધો રસ પડ્યો કે તેમણે એશિયન ડેવલપમેન્ટ બેંકમાંથી પ્રિમેચ્યોર રિટાયરમેન્ટ લઈને ચેન્નઈમાં આવેલા સરસ્વતી-સિંધુ રીસર્ચ સેન્ટરમાં નવા પ્રયોગો આદર્યા. સરસ્વતી નદી અંગેનો 200 પાનાંનો મોનોગ્રામ તેમણે પોતાની પાસે સાચવી રાખ્યો. (રીસર્ચ સેન્ટરની વેબસાઈટ પરથી તેને ડાઉનલોડ કરીને વાંચી શકાય છે). આ પુસ્તકમાં મુખ્યત્વે ઉત્તર ભારતની તમામ પ્રમુખ નદીઓ (ગંગા, સરસ્વતી અને તેની શાખાઓ) વિશેનો ઇતિહાસ જાણવા મળે છે. ડો.એસ.કલ્યાણરામનનાં આ કામથી પ્રભાવિત થઈને ઘણા ઉત્તર-ભારતીય રાજ્યોની સરકારો સરસ્વતી નદીનાં કિનારે નવા સંશોધનો શરૂ કરવા માંગે છે, જેથી કંઈક ઐતિહાસિક-પૌરાણિક પુરાવાઓ હાથ લાગી શકે. આ ખોદકામ અને રીસર્ચ ભારતને તેનો બે હજાર વર્ષ જૂનો ઇતિહાસ પુન: યાદ અપાવી શકે એટલી ક્ષમતા ધરાવે છે. આશ્ચર્યજનક વાત તો એ પણ છે કે, પાકિસ્તાની પુરાતત્વશાસ્ત્રીઓ અને ઇતિહાસવિદ્દો પણ આ શોધખોળમાં ભારતની પૂરેપૂરી મદદ કરી રહ્યા છે, જેથી વૈદિક સરસ્વતીનાં ગુમ થવા અંગેનાં રહસ્ય પરથી પડદો ઉઠી શકે.